ખેતીવાડીમાં દવા છંટકાવ કરતા યંત્રે કૂતુહલ સર્જ્યું

ખેતીવાડીમાં દવા છંટકાવ કરતા યંત્રે કૂતુહલ સર્જ્યું
ભુજ, તા. 26 : 26મી જાન્યુ. 2001માં આવેલા ભયાનક ધરતીકંપની ગોઝારી ઘટના બાદ કચ્છના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અને આવેલા ઉદ્યોગના બાંધકામ માટે મોટા મોટા મશીનો, યંત્રો, જેવાં કે હિટાચી, જેસીબી, લોડર, પચ્ચાસ પચ્ચાસ પૈડાવાળાં લાંબાં વાહનો જેવાં કે ટ્રેઈલર, ડમ્પર, ટ્રક સહિતના વાહનો કચ્છના માર્ગો પર જોવા મળી રહ્યા છે. ત્યારે માધાપર હાઈવે પર એક અનોખું વાહન પસાર થતાં લોકો તેને જોવા ઊભા રહેતાં કોઈને ખબર પણ નહોતી પડતી કે આ ક્યું વાહન અને શેના માટે બનાવાયું છે. પછી એક વ્યકિતએ  વાહનચાલકને ઊભા રાખીને પૂછ્યું ત્યારે ખબર પડી કે આ તો ખેતર-વાડીમાં ઊભેલા પાકને નુકસાન કરતા ઉપદ્રવોથી બચાવવા દવા છંટકાવ કરવામાં ઉપયોગ માટેનું વાહન છે. રૂા. ત્રણેક લાખની કિંમતનું આ વાહન સદ્ધર અને બગાયતી ખેતી ધરાવતા ખેડૂતો ઉપયોગ કરતા થઈ ગયા છે. ભૂકંપ પછી નર્મદા નીરનું આગમન અને વખતોવખત ચોમાસાંમાં પડેલા સચરાચર વરસાદના કારણે ભૂગર્ભજળ ઊંચા આવી જવાના કારણે મોટી સંખ્યામાં લોકો ખેતીવાડી તરફ વળ્યા હોવાના કારણે ઝડપી દવા છંટકાવ માટે આધુનિક મશીન સાથે અન્ય સાધનોને ખેડૂતો વાપરતા થયાં છે, દવા છંટકાવ મશીન મિનિ હેલિકોપ્ટર જેવું દેખાય છે. ધીમી ગતિએ ચાલતા યંત્રથી મજૂરી ખર્ચ ઓછો અને કામ ઝડપથી અને સચોટ થાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer