આઇપીએલ-2020માંથી બહાર થનારી ચેન્નાઇ પહેલી ટીમ

દુબઇ, તા.26:રાજસ્થાન રોયલ્સની મુંબઈ ઇન્ડિયન્સ સામેની 8 વિકેટે જીતથી ત્રણ વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ 13 વર્ષમાં પહેલીવાર આઇપીએલના પ્લેઓફની દોડની બહાર થઇ ગઇ છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં સીએસકે ટીમે 2008 બાદ જે 10 આઇપીએલમાં ભાગ લીધો તેમાં તે પ્લેઓફ સુધી જરૂર પહોંચી હતી, પણ આ વખતે આ ટીમનું સૌથી કંગાળ પ્રદર્શન રહ્યંy હતું. જો કે ચેન્નાઇએ રવિવારના પહેલા મેચમાં બેંગ્લોર સામે 8 વિકેટે શાનદાર જીત મેળવી હતી. પરંતુ પછીના મેચમાં મુંબઇ સામે રાજસ્થાનનો વિજય નોંધાતા ચેન્નાઇ આઇપીએલની રેસમાંથી આઉટ થઇ ગયું છે. ચેન્નાઇના હાલ 8 પોઇન્ટ છે. બાકીના બે મેચની જીતથી પણ તેના ખાતામાં 12 પોઇન્ટ હશે. જે પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતા નથી. હાલ પોઇન્ટ ટેબલ પર મુંબઇ, દિલ્હી અને બેંગ્લોરના એક સમાન 11 મેચમાં 14 પોઇન્ટ છે. જ્યારે કોલકતાના 11 મેચમાં 12 પોઇન્ટ છે.  પંજાબ અને રાજસ્થાન પાસે 10-10 અંક છે અને ક્રમશ: ત્રણ અને બે મેચ બાકી છે. આથી એવી ગણતરી થઇ રહી છે કે મુંબઇ, દિલ્હી અને બેંગ્લોર માટે પ્લેઓફમાં પહોંચવા એક જીતની જરૂર છે. જ્યારે ચોથા સ્થાન માટે કોલકતા મજબૂત દાવેદાર છે, જેને પંજાબ અને રાજસ્થાન ટક્કર આપી રહ્યા છે. જો કે ઉપરોકત ટોચની ત્રણેય ટીમમાંથી જો કોઇ એક ટીમ તેના બાકીના ત્રણેય મેચ હારી જાય તો પ્લેઓફમાં ઉથલપાથલ જોવા મળશે. આખરે નેટ રન રેટની ભૂમિકા પણ નિર્ણાયક બની રહેશે. આથી દરેક ટીમની નજર હવેના મેચોમાં સારી રીતે જીત મળે તેના પર રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer