દિલ્હી સામે હારથી હૈદરાબાદના પ્લેઓફના દરવાજા બંધ થશે

દુબઇ, તા.26: દિલ્હી કેપિટલ્સ પાછલા બે મેચની હારને ભૂલીને સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ આઇપીએલના મંગળવારે રમાનાર મેચમાં મહત્ત્વની જીત હાંસલ કરીને પ્લેઓફમાં જગ્યા પાકી કરવાની કોશિશ કરશે. કોલકતા અને પંજાબ સામેની હારથી દિલ્હીની ગાડી પાટા પરથી ઉતરી ગઇ છે. તેના 14 પોઇન્ટ છે. હવે મંગળવારે આ સંખ્યા 16 સુધી પહોંચાડી પ્લેઓફમાં સ્થાન પાકુ કરવાનું તેનું લક્ષ્ય હશે. બીજી તરફ હૈદરાબાદની પ્લેઓફમાં પહોંચવાની સ્થિતિ જો અને તો પર ટકેલી છે. તેના ખાતામાં 11 મેચમાં 8 પોઇન્ટ છે અને પોઇન્ટ ટેબલ પર સાતમા સ્થાને છે. પ્લેઓફમાં પહોંચવા હૈદરાબાદે બાકીના ત્રણેય મેચ જીતવા પડશે અને બાકીની ટીમના પરિણામ આશા મુજબ આવે તેવી દુઆ કરવી પડશે. દિલ્હી પાસે આક્રમક બેટ્સમન અને બોલર છે. આ ટીમ કોઇ એક ખેલાડી પર નિર્ભર નથી. જો કે પાછલા ત્રણ મેચમાં શિખર ધવનને છોડીને દિલ્હીના બાકીના બેટધરોનું પ્રદર્શન સારું રહ્યંy નથી. ધવને ચેન્નાઇ સામે સદી કરી જીત અપાવી હતી, પણ પંજાબ સામેની તેની સદી બેકાર ગઇ હતી, કારણ કે બાકીના બેટધરોએ સાથ આપ્યો ન હતો. યુવા ઓપનર પૃથ્વી શો ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. તેના સ્થાને પાછલા મેચમાં ઓપનિંગમાં આવેલ રહાણે ખાતું પણ ખોલાવી શકયો ન હતો. દિલ્હી તરફથી બોલિંગમાં રબાડા (23 વિકેટ) અને નોત્ઝે (14 વિકેટ) શાનદાર દેખાવ કરી રહ્યો છે. જો કે સ્ટાર સ્પિનર અશ્વિનનો દેખાવ અપેક્ષકૃત રહ્યો નથી. બીજી તરફ હૈદરાબાદને તેના પાછલા મેચમાં પંજાબ સામે મનોબળ તોડનારી હાર મળી હતી. વોર્નરની ટીમ 127 રનનો સામાન્ય લક્ષ્ય પણ પાર કરી શકી ન હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer