અપક્ષ ઉમેદવારનો સંપર્ક કરી રૂબરૂ બોલાવ્યા

ભુજ, તા. 26 : રાજસ્થાનના બાડમેરના હથિયારના ચાર વર્ષ જૂના કેસ સંદર્ભે એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ (રાજસ્થાન)ની ટીમ પેટાચૂંટણીના માહોલ વચ્ચે અબડાસાના અપક્ષ ઉમેદવાર નુંધાતડના હનીફભાઇ જાકબ બાવા પડેયારને શોધતી કચ્છ સુધી આવી ચડતાં ચૂંટણી વચ્ચે આ મામલો ગરમાયો છે. જો કે કચ્છ સુધી આવી પહોંચેલી એ.ટી.એસ.ની ટીમ હનીફને રૂબરૂ મળી નહોતી.બે દિવસ કચ્છમાં રોકાયેલી એડિશનલ એસ.પી. કક્ષાના અધિકારી સાથે ગુપ્ત ઓપરેશન પાર પાડવા અર્થે એ.ટી.એસ. ટીમે હનીફને મળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચૂંટણી પ્રચાર કાર્યમાં વ્યસ્ત હોવાના કારણે આ ઉમેદવાર અને ટીમનો ભેટો ન થયો હોવાની વિગતો સપાટી પર આવી છે. રાજસ્થાન એ.ટી.એસ. આવી હોવાની વાતને પશ્ચિમ કચ્છ પોલીસ દળે પણ પુષ્ટિ આપી છે પરંતુ વિશેષ વિગતો સ્થાનિક પોલીસને પણ?ન અપાઇ હોવાનું તેમના તરફથી જાણવા મળ્યું છે.દરમ્યાન, આ સમગ્ર બાબતે અબડાસા પેટાચૂંટણીના અપક્ષ ઉમેદવાર હનીફભાઇ પડેયારનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ગઇકાલે રાજસ્થાન એ.ટી.એસ.ની ટીમે સીધો મારો સંપર્ક કર્યો ન હતો, પરંતુ વાયા-વાયા મને ફોન આવ્યો હતો અને અડધો કલાક મળવા બોલાવ્યો હતો. ચૂંટણી પ્રચારમાં રોકાયેલો હોવાથી કહ્યું કે, હું અહીં જ છું અને ત્યાં ન આવી શકો તો મારી બે-ત્રણ ચૂંટણીસભાઓ છે ત્યાં આવી જાવ. તેઓએ જણાવ્યું કે અમે એક દિવસ છીએ, તમે ફોન  કરજો. ત્યારબાદ તેઓ તરફથી બીજો કોલ કે સંદેશ આવ્યો ન હતો. હનીફભાઇએ જણાવ્યું હતું કે, ચારેક વર્ષ અગાઉના બાડમેરના હથિયાર સંબંધી કેસમાં કોઇકે મારું નામ આપ્યું હતું જે સંબંધે એકાદ વર્ષ પૂર્વે મેં બે વખત સ્ટેટમેનટરૂપી જવાબ પણ આપી દીધો છે. આ કેસમાં કાયદેસર રીતે મને કોઇ વોરંટ કે સમન્સ પણ અપાયા નથી. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે તે જગજાહેર છે. મને આ રીતે દબાવવાની કોશિશ થઇ રહી છે અને એવો પણ પ્રચાર ફેલાવવામાં આવે છે કે મને ભાજપે ઊભો રાખ્યો છે. ખરેખર મને ભાજને કે કોંગ્રેસે ઊભો નથી રાખ્યો. મને સમાજે ઊભો રાખ્યો છે અને છેલ્લે સુધી ચૂંટણી લડીશ જ તેવી સાફ વાત પણ ઉમેદવારે કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer