ખારીરોહરમાં બે યુવાન ઉપર છરીથી હુમલો

ગાંધીધામ, તા. 26 : તાલુકાનાં ખારીરોહરમાં અમારી બાતમી કેમ આપે છે તેમ કહી ત્રણ ઈસમોએ બે યુવાનો ઉપર છરી વડે હુમલો કર્યો હતો. બીજી બાજુ રાપરનાં લખાગઢમાં તું નવરાત્રિમાં ગાવા કેમ નથી આવતો તેમ કહી ગાયક ઉપર લાકડી વડે હુમલો કરાયો હતો. ખારીરોહરમાં રહેનારો ઈસ્માઈલ ઈશાક સોઢા (મુસ્લિમ) નામનો યુવાન પોતાના પિતાને મળવા કંડલા થર્મલ કોલોની ગયો હતો. ત્યાંથી આ યુવાન પરત આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં મુશા નૂરમામદ ભટ્ટી અને આદમ બાવલા કોરેજા નામના શખ્સોએ તેને રોકાવ્યો હતો અને તું અમારી ચોકી કેમ કરે છે, તું અમારી બાતમી કેમ આપે છે તેમ કહી તેને માર માર્યો હતો. બાદમાં બીજા દિવસે આ યુવાન પોતાના કાકાસસરાનાં ઘરે હતો, ત્યારે ત્યાં રફીક નુરમામદ ભટ્ટી, મુશા નુરમામદ ભટ્ટી, ગફુર નુરમામદ ભટ્ટી નામના શખ્સોએ આવી, આ યુવાન અને તેના સાળા ઉપર છરી વડે હુમલો કરી નાસી ગયા હતા. બીજી બાજુ, મારામારીનો  બીજો બનાવ લખાગઢમાં બન્યો હતો. આ ગામમાં રહેતા અને લોકગાયક એવા બાબુ માણદા આહીર નામનો યુવાન પોતાનાં ઘરે હતો, ત્યારે ગામનો જ નારાણ ખોડા આહીર (મકવાણા) નામનો શખ્સ તેનાં ઘરે આવી ગરબામાં માતાજીના ગરબા ગાવા કહ્યું હતું, પરંતુ આ યુવાને હાલમાં કોરોના હોવાથી ગાવાની ન પાડતાં આ શખ્સે તેને ગાળો આપી હતી અને રાત્રે ફરીથી આવી, આ યુવાનને ધોકા વડે માર મારી નાસી ગયો હતો. મારામારીનાં આ બન્ને બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer