ગાંધીધામમાં આઈ.પી.એલ. ના સટ્ટા પર દરોડો

ગાંધીધામ, તા. 26 : શહેરના સેકટર1 એ વિસ્તારમાં આવેલી એક મેડિકલ સ્ટોરની છત ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સેની પોલીસે ધરપકડ કરી આ સટ્ટોડીયાઓ પાસેથી રૂ.48,050નો મુદામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. શહેરના સેકટર 1 એ વિસ્તારમાં ઓમ  મોટર્સ નજીક આવેલી આશાપુરા  મેડીસીનની છત ઉપર પોલીસે પૂર્વ બાતમીના આધારે છાપો માર્યો હતો.આ છત ઉપરથી ભારત નગર ગીતા સોસાયટીના મકાન નંબર 107માં રહેતા અમિત દિનેશ ઠક્કર અને ભારત નગરની જ સફાઈ કામદાર સોસાયટીમાં પ્લોટ નંબર 827માં રહેતા બ્રીજેશ પ્રકાશ ઠક્કર નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને શખ્સો ગઈકાલે ટી-20ની રમાતી ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સની ક્રિકેટ મેચ ઉપર પોતાના ગ્રાહકોને હાર જીતનો સટ્ટો રમાડી રહ્યાં હતા.પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ બન્ને શખ્સો પોતાના મોબાઈલમાં ડીલકસ 9 અને ડાયમન્ડ ઈ,એકસ,સી,એચ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરીને ગ્રાહકોને જુગાર રમાડતા હતા. દરમ્યાન ત્રાટકેલી પોલીસે આ બન્ને સટ્ટોડીયાઓને દબોચી લીધા હતા અને તેમની પાસેથી  રોકડા રૂ.12,050, સાત મોબાઈલ,એક લેપટોપ એમ કુલ રૂ. 48,050નો મુદામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ શખ્સો કયાંથી લાઈન મેળવીને લોકોને ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા તે હજુ પોલીસની તપાસમાં બહાર આવ્યું નથી. આ શહેર અને સંકુલમાં હજુ પણ અનેક જગ્યાએ ક્રિકેટના સટ્ટા ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે આ તમામ બદીઓ બંધ થાય તો જ યુવાનો બર્બાદ થતાં બચી શકે તેમ હોવાનું જણાવી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer