ભુજ સુધરાઇ-જીઆઇડીસી વેરા વિવાદ વણઉકેલ્યો રહ્યો

ભુજ, તા. 26 : શહેર સુધરાઇ અને જીઆઇડીસી વચ્ચે વેરા મુદ્દે ચાલતા વિવાદ ઉકેલવા આજે મળેલી સંકલન બેઠકમાં પણ પ્રશ્ન વણઉકેલ્યો રહ્યો હતો. ભુજમાં વર્ષોથી ગૂંચવાયેલા જીઆઇડીસીના વેરા વસૂલાત મુદ્દે થોડા સમય પહેલાં જ સુધરાઇના મુખ્ય અધિકારી-સ્ટાફ તેમજ ઔદ્યોગિક સંકુલના હોદ્દેદારો વચ્ચે ભારે ધમાચકડીને પગલે સમગ્ર મુદ્દો કલેકટર સુધી પહોંચ્યો હતો અને પ્રશ્ન ઉકેલવા પ્રયાસો હાથ ધરાયા હતા, જે અંતર્ગત આજે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક મળી હતી જેમાં સુધરાઇના મુખ્ય અધિકારી તથા જીઆઇડીસીના હોદ્દેદારોએ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ બેઠકમાં સુધરાઇએ નકશા રજૂ કર્યા હતા જેમાં જીઆઇડીસી સાથેના કરારો પણ સામેલ હતા. જેને પગલે પ્રાંત અધિકારી દ્વારા જીઆઇડીસીના હોદ્દેદારોને પણ સ્પષ્ટતા કરતા પુરાવા રજૂ કરવા કહ્યું હતું.  જો કે, સંકલન બેઠક કોઇ ઠોસ નિર્ણય સુધી પહોંચી નહોતી અને વિવાદ હજુ સુધી કાયમ રહેવા સાથે બન્ને પક્ષો પોત-પોતાની વાત પર કાયમ રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer