ગાંધીધામ મુસ્લિમ સમાજે પણ જુલૂસ ન કાઢવા ઠરાવ્યું

ગાંધીધામ, તા.26 :અહીંના મુસ્લિમ સમાજ દ્વારા જુલૂસનું આયોજન રદ કરી સામાજિક કાર્ય દ્વારા ઈદે મિલાદની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની નુરી મસ્જિદ ખાતે બાગે મદીના કમિટીના તમામ સભ્યોની હાજરીમાં પ્રમુખ હાજી લતીફ કેવરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. હાલ કોરોના મહામારીના કારણે ભીડ ઊભી ન થાય તે માટે દર વર્ષે ઈદે મિલાદના  જુલૂસનો કાર્યક્રમ સરકારી નિર્દેશ દ્વારા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ જુલૂસમાં  સમાજના હજારો લોકો ભાગ લેતા હોય છે. જેમાં સામાજિક અંતર સહિતની સરકારની માર્ગદર્શિકાનું પાલન શક્ય ન હોવાથી સમિતિના સદસ્યોએ સર્વાનુમતે આ નિર્ણય લીધો હતો.  ઈદે મિલાદની ઉજવણી શેરી મહોલ્લામાં, મસ્જિદોમાં ન્યાઝ (પ્રસાદી) અને અન્ય સામાજિક કાર્યક્રમો  સાથે કરવા સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં ઉજવણીનો કાર્યક્રમ હોય ત્યાં કોરોના અન્વયે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા  અનુરોધ કરાયો હતો. તેમજ  સંક્રમણથી તમામ લોકો સુરક્ષિત રહે  તે માટે જ્યાં કાર્યક્રમ હોય ત્યાં વધુ ભીડ એકત્ર ન કરવા  પ્રમુખ લતીફ કેવર, મુસ્લિમ સમાજના પ્રમુખ શાહનવાઝ શેખે અનુરોધ કર્યો હતો તેવું હાજી શકુર માંજોઠીએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer