બાયોડીઝલ મુદ્દે કચ્છમાં તંત્રની તદ્દન ઢીલી નીતિ

ગાંધીધામ, તા. 26 : વાહનો માટે ઘાતક એવા બાયો ડીઝલ અને બેઝ ઓઈલના તમામ પ્રકારના ગેરકાયદેસરના  ધંધા બંધ કરાવવા સરકારે સ્પષ્ટ સૂચના અને આદેશ આપ્યો હોવા છતાં અહીં સરહદી એવા આ જિલ્લામાં આવું કાંઈ જ ન થતું  હોવાનું જણાઈ રહ્યું છે. બેઝ ઓઈલ અને બાયો ડીઝલ ઉપર ધોંસ બોલાવવા સરકારે આદેશ આપ્યા બાદ અને અહીંના સ્થાનિક પેટ્રોલપમ્પના સંચાલકોએ તંત્રનું ધ્યાન દોરવા છતાં તંત્રનું આળસ ગમે તે કારણે ઉડતું નથી. આવું દબાણ આવ્યા પછી સ્થાનિક તંત્ર જાગ્યું હતું અને છેલ્લા ત્રણેક મહિનામાં સમગ્ર જિલ્લામાંથી 25થી 30 નમૂના લેવામાં આવ્યા હતાં. બેઝ ઓઈલ અને બાયો ડીઝલના આ નમૂના લઈ લેવાયા બાદ તેને એફ.એસ.એલ. માટે ગાંધીનગરમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ 25થી 30 એવા આ નમૂના પૈકી હાલમાં 10થી 12ના પરિણામ આવી ગયા હોવાનું જિલ્લા તંત્ર પાસેથી જાણવા મળ્યું હતું. જેમાં અનેક નમૂના નાપાસ થયા હોવાનું તો અમુક નમૂના પાસ થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ નાપાસ થયેલા નમૂના જયાંથી મેળવાયેલા છે તેમના વિરૂધ્ધ હવે શું પગલાં લેવામાં આવશે તેવું પુછાતાં આવા લોકોને હવે નોટિસ આપવામાં આવશે અને પછી તેમની સામે કેસ ચાલશે અને જો તેમાં નિર્ણય કરાશે તો તેવા લોકો વિરૂધ્ધ કડક પગલાં લેવામાં આવશે. તેવું આ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. સરકારે આવા ધંધા બંધ કરાવવા સ્પષ્ટ સૂચના અને આદેશ આપ્યો હોવા છતાંકોની રાહ જોવાય છે તે   લોકોને સમજાતું નથી.આવા ધંધાઓમાં  કેટલાક રાજકીય અગ્રણીઓ પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. ગાંધીધામથી આડેસર- સામખિયાળી અને  બીજી બાજુ ગાંધીધામથી મુન્દ્રા સુધીના પટ્ટામાં આવા ધંધા ફુલ્યા ફાલ્યા છે.ગાંધીધામના કાસેઝ નજીક શિવ મંદિર પાસે અંજારના એક રાજકીય અગ્રણીનો પોઈન્ટ પણ ચાલુ થઈ ગયો હોવાનું લોકો જણાવી રહ્યાં છે. પોલીસે આવા અમુક પોઈન્ટ શોધી કાઢીને આવી જગ્યાઓ ઉપરથી નમૂના લેવડાવ્યા હતાં. પરંતુ વહીવટી તંત્રોને આવી  કામગીરીમાં રસ જ ન હોય તેમ  આવા એકેય પોઈન્ટ બંધ કરાવાયા નથી. આવામાં ઉલ્ટાનું જયાં સેટીંગ ચાલુ નહોતું ત્યાં પણ ગોઠવણી ચાલુ થઈ ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સરકારના આદેશને પણ ઘોળીને પી જનારા ઉપર કોઈ પગલાં લેવાશે કે કેમ તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer