નવા નિયમો સાથે અબડાસામાં આ પ્રથમ ચૂંટણી

ભુજ, તા. 26 : અબડાસા વિધાનસભાની આ વખતની પેટાચૂંટણી નવા અને જુદા નિયમો સાથે યોજાઇ રહી છે. કારણ કે અત્યારે કોરોના મહામારી વચ્ચે ચૂંટણી પ્રચારથી માંડી મતદાન, મતગણતરી વગેરે પ્રક્રિયા હાથ?ધરાનાર હોવાથી પહેલી વખત મતદારોને નવા નિયમોનો અનુભવ થશે. બીજીબાજુ મતદાનને હવે એક સપ્તાહ બાકી છે ત્યારે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ 6.40 લાખ તો કોંગ્રેસના ડો. શાંતિલાલ સેંઘાણીએ અત્યાર સુધીમાં ચાર લાખનો ખર્ચ કર્યો છે. ત્રણ તાલુકાને સમાવતી અબડાસા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આવી છે ત્યારે આગામી ત્રણ?નવેમ્બરના 2.40 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. ગયા વખતે આ બેઠક પર 2.23 લાખ મતદાતા હતા, આ વખતે 17 હજારનો વધારો  થયો છે. પાંચેક હજાર યુવા મતદારોનો ઉમેરો થયો હોવાથી તેઓ પહેલી વખત વોટિંગ કરશે, બાકીના મતદાતાઓ તો અત્યાર સુધી મત આપતા રહ્યા છે, પરંતુ આ વખતે મત આપવા મતદાન મથકમાં કોવિડના નિયમોનું પાલન કરવું પડશે. આ અંગે જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, કોવિડની માર્ગદર્શિકા પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. દરેક મતદારે પોતાના હાથ?ઉપર સેનિટાઇઝરનો ઉપયોગ કરવો પડશે અને મતદાન મથકમાં માસ્ક ફરજિયાત રહેશે. મતદાન મથકમાં જો મતદારોની લાઇન હશે તો દરેક માટે સફેદ રાઉન્ડ બનાવવામાં આવશે ત્યાં જ ઊભા રહેવું પડશે. આ વખતે બૂથ કેટલાં હશે એ બાબતે પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું હતું કે, અબડાસા વિધાનસભા બેઠકના આમ તો 376 બૂથ?છે, પરંતુ હવે કોરોનાને ધ્યાને લઇ જ્યાં એક હજારથી વધુ મતદારો છે ત્યાં બૂથ વધારવામાં આવ્યાં છે એટલે એવી 55 જગ્યાએ મતદાન મથક વધતાં કુલ 431 મથકો રાખવામાં આવ્યાં છે. હવે મતદાનને આડે એક સપ્તાહ બાકી છે ત્યારે મુખ્ય બંને રાજકીય પક્ષોના ઉમેદવારોએ કેટલી રકમ ખર્ચી છે તેની માહિતી આપતાં શ્રી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ખર્ચ નિરીક્ષકો તરફથી નિભાવવામાં આવતાં રજિસ્ટર પ્રમાણે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહે રૂા. 6,40,095નો ખર્ચ કર્યો છે. જો કે, તેમણે તંત્રને હિસાબો 3,24,400ના આપ્યા છે, રૂા. 3,15,695નો તફાવત આવે છે. એવી જ રીતે કોંગ્રેસના ડો. સેંઘાણીએ રજિસ્ટર પ્રમાણે રૂા. 4.01,495 ખર્ચ્યા છે પરંતુ હિસાબો રૂા. 2,41,540ના રજૂ કર્યા હોવાથી બંને વચ્ચે હજુ 1,59,915નો ફરક આવે છે. ખર્ચના હિસાબોની જ્યારે 23 તારીખે ચકાસણી થઇ ત્યારે બંને ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. આમ અત્યાર સુધી વિધાનસભા પાછળ 28 લાખના ખર્ચની છૂટ હતી તેમાં બે લાખનો વધારો થતાં હવે રૂા. 30 લાખ પ્રત્યેક ઉમેદવાર વાપરી શકે છે. તો આ વખતે 80 વર્ષથી વધુની વયવાળા અને વિકલાંગ વગેરેને બેલેટ?પેપરથી પોસ્ટથી મત મોકલવાના હોવાથી આવા અંદાજે બે હજાર મતદાતા છે જેમના પોસ્ટલ મતો પણ આવી રહ્યા છે એમ જણાવ્યું હતું. 


ઇજનેરી કોલેજમાં 32 રાઉન્ડમાં મતગણતરી 
ભુજ, તા. 26 : અબડાસા વિધાનસભાની ચૂંટણીની 10મી નવેમ્બરે મતગણતરી થવાની છે ત્યારે આ વખતે કેટલા રાઉન્ડ હશે તેનો સૌને ઇંતજાર છે. જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, 2.40 લાખ મતદારો છે ત્યારે ભુજની ઇજનેરી કોલેજમાં મતગણતરી હાથ?ધરાશે. 10મીએ મંગળવારે સવારે 8 વાગ્યાથી પ્રક્રિયા શરૂ થનાર છે.મતગણતરી માટે 14 ટેબલ ગોઠવવામાં આવશે અને 431 બૂથ પ્રમાણે 32 રાઉન્ડમાં ગણતરી કરવામાં આવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer