ડીપીટી પણ કામદારોને દિવાળી બોનસ એડવાન્સ તરત ચૂકવે

ગાંધીધામ, તા. 26 : બંદર અને ગોદી કામદારોને ઉત્પાદકતા આધારિત બોનસ અંગે સધાયેલી સહમતી મુજબ એડવાન્સની ચૂકવણી કરવા અંગે ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન એચ.એમ.એસ. કંડલા દ્વારા  પોર્ટના ચેરમેનને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. પોર્ટના ચેરમેન એસ.કે. મેહતાને પાઠવેલા પત્રમાં લેબર ટ્રસ્ટી અને યુનિયનના પ્રમુખ  એલ. સત્યનારાયણના જણાવ્યા પ્રમાણે ઉત્પાદકતા આધારિત બોનસ માટે ભારત સરકાર અને  કામદાર મહાસંઘો  વચ્ચે સહમતી સધાઈ ચૂકી છે. કોરોના મહામારીના કારણે  ઉત્પાદકતા આધારિત બોનસની ગણતરીની કામગીરી સરકાર અને મહાસંઘો વચ્ચે અંતિમ તબક્કામાં છે. જો કે ઈન્ડિયન પોર્ટ એસોસિએશન દ્વારા વર્ષ  2019-20ના ઉત્પાદકતા આધારિત બોનસ  માટે ભલામણ કરી દેવાઈ છે  માત્ર મંત્રાલયના  પ્રતિભાવની રાહ જોવાઈ રહી છે. આ મામલે યુનિયન દ્વારા શિપિંગ સચિવ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હોવાનું પત્રમાં જણાવાયું છે. કોલકાતા પોર્ટ દ્વારા કર્મચારીઓ દુર્ગા પૂજા અને નવરાત્રિના તહેવાર આનંદપૂર્વક ઉજવી શકે તે માટે રૂા. 15000 એડવાન્સ ચૂકવી દેવામાં આવ્યા છે. દિવાળીના તહેવારો આગામી 14 નવેમ્બરના છે. કોરોના વાયરસની મહામારીની સ્થિતિમાં પોર્ટના કામદારો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે  કામદારો દિવાળીના તહેવાર ઉમંગે ઉજવી શકે તે માટે   વર્ષ 2019-20ના ઉત્પાદકતા આધારિત બોનસ પેટે  રૂા. 15000 એડવાન્સ ચૂકવવા અનુરોધ કરાયો છે. આ રકમ આગામી પ નવેમ્બર સુધીમાં ચૂકવવા માંગ કરાઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer