આસોમાં આષાઢી માહોલથી શક્તિની આરાધનામાં અડચણ

આસોમાં આષાઢી માહોલથી શક્તિની આરાધનામાં અડચણ
ભુજ, તા. 17 : ચોમાસાના વિદાયની જાહેરાત ખુદ હવામાન વિભાગે કરી નાખી હોવા છતાં બંગાળની ખાડીમાં અચાનક સર્જાયેલા હળવા દબાણની સીધી અસર છેક કચ્છ સુધી થઇ હતી. દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં બે દિવસથી વરસાદ થતાં આ વરસાદથી ખેડૂતોની  મહેનત ઉપર રીતસર પાણી ફરી વળ્યું છે. ગઇકાલે રાત્રે ભુજમાં આકાશી તાંડવ સાથે વરસાદી ઝાપટાં પડયાં હતાં. આ વરસાદથી શહેરમાં પાણી વહ્યા હતા. વહેલી સવાર સુધી નભમાં અવાજ સંભળાતા હતા. તેમ આજે રાત્રે ભુજમાં બે વખત જોરદાર ઝાપટો વરસતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. આજે સવારે તથા સાંજે શહેરમાં ચોમાસા જોવો માહોલ જોવા મળ્યો હતો. આ ઝાપટાંથી શહેરીજનોને સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ એમ ત્રણ ઋતુનો અનુભવ થયો હતો. જિલ્લા મથક ભુજ ઉપરાંત આજે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં પણ?જાણે ચોમાસું ચાલુ હોય તેવો માહોલ જામ્યો હતો. અધિક માસના કારણે નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભલે મહામારીના કારણે નવરાત્રિ ઉત્સવ રદ થયો છે તેવામાં માત્ર આરતી અને ગરબાની સ્થાપનાના રંગમાં પણ ભંગ પડયો હતો. રાત્રે આ લખાય છે ત્યારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા સાથે ગઢશીશામાં પણ વરસાદની શરૂઆત થઈ હતી.નખત્રાણા સહિત પંથકમાં ગઇ રાત્રિથી જ  વાતાવરણમાં  પલટો આવ્યો છે. શનિવારે સવારથી અસહ્ય ગરમી, વાદળછાયાં વાતાવરણ બાદ આજે મધ્યમથી હળવાં ઝાપટાં પડયાં હતાં. આ  વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેમ કે ભૂતડી ઉખેડવાનો  સમય છે. પથારા ખેતરોમાં પડયા છે તો આમેય તલી, મગફળીના પાકને સતત વરસાદથી નુકસાન થયું છે. તેમાંય આ વરસાદના  કારણે હવે ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. બીજી તરફ આ વરસાદના કારણે  સાંજે 4 વાગ્યાથી પાંચ વાગ્યા સુધી લાઇટો બંધ રહેતાં લોકો રીતસર અસહ્ય ગરમીના કારણે બફાયા હતા. અકળાયા હતા તો વીજતંત્ર સામે લોકોએ સખત નારાજગી દર્શાવી બળાપો કાઢી ગુસ્સો વ્યકત કર્યો હતો. નગરમાં વીજ ધાંધિયા પરાકાષ્ટાએ  પહોંચ્યા છે. દિવસ દરમ્યાન સતત લાઇટની અવર-જવર રહે છે તેમાં ક્યારેક અડધો કલાક-ક્યારેક એક કલાક  આમ વીજતંત્ર રીતસર લોકોને  બાનમાં લે છે તો કલાકો સુધી  વીજ પુરવઠો ખોરવાયેલો રહેતાં આ કોરોનાના કપરાકાળમાં ધંધા-રોજગાર મંદ છે ત્યારે  વીજ વિક્ષેપ પરેશાનીમાં  વધારો કરે છે. લાઇટ બાબતે કન્ટ્રોલ રૂમમાં ફોન કરતાં સતત ફોન બંધ આવે છે. રીસીવર ઉપાડી રીતસર પડખે રાખી મૂકે. આજના વીજ પુરવઠા બંધ રહેવાના કારણે લોકોએ આક્રોશ?વ્યકત કર્યો હતો. ધીણોધર પટ્ટીના ગામોમાં વરસાદી ઝાપટાં વરસ્યાં પછી આજે ધાબળિયા વાતાવરણ વચ્ચે ચોમાસુ પાક તેમજ વાડી?ખેતરોમાં પડેલી પેદાશ ઉપર આ પાણીથી ધરતીપુત્રોના જીવ અદ્ધર થયા હતા. ચાલુ વરસના ચોમાસામાં સાર્વત્રિક મેઘમહેરથી ખેડૂતોએ પોતાના વાડી-ખેતરના ઠામોમાં કપાસ, મગફળી, તલ, મગ, ગુવાર જેવા પાકોનું મોટા પ્રમાણમાં વાવેતરનો  પાક તૈયાર થઇ?રહ્યો છે ત્યારે ઉખેડેલા મગફળીના પથારા ખુલ્લામાં પડયા છે, જ્યારે મગ, તલી, ગુવાર જેવી જણસીઓનો પાક તૈયાર છે તેવા સમયે  સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે પડતા ઝાપટાંથી પાકને નુકસાન થઇ રહ્યું છે. આથી ધરતીપુત્રોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઇ જવાની ચિંતાથી જીવ અદ્ધર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. નાની અરલ, દેવીસર, સુખપર-મોટી વિરાણી,  ભારાપર સહિતના  ગામોમાં જોરદાર ઝાપટાં વરસવાથી પાણી વહી નીકળ્યા હતા. અબડાસાના કાંઠાળ વિસ્તારના ગામો અને અંતરિયાળ ગામોમાં વરસાદી માહોલના પગલે  એક ઇંચથી વધુ વરસાદ થયો હતો. જખૌ, જખૌબંદર વિસ્તાર ઉપરાંત દદામાપર,  વડસર, છસરા, ચરોપડી મોટી, વાયોર, તેરા, લાખણિયા, નરાનગર સહિતના ગામાડાઓમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગાજવીજ સાથે અડધાથી સવા ઇંચ પાણી વરસ્યું હતું. હવામાન વિભાગે સત્તાવાર રીતે 37 મિ.મી. વરસાદ પડયાનું જણાવ્યું હતું. અબડાસામાં  ચાલુ ચોમાસાની  સિઝનમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાતાં  ખેતીના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે બિનમોસમ વરસાદ થતાં રહી સહી ખેતપેદાશ કાઢવાનું ખેડૂતોએ શરૂ કર્યું છે ત્યારે મગફળી, તલી, મગ, કપાસ વગેરે પાકોને સારું એવું નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઇ છે. આજે બપોર પછી ઘણા બધા ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો. આગાહી વચ્ચે ગત રાત્રે વાગડ વિસ્તારમાં વરસાદના ઝાપટાં શરૂ થયાં હતાં. રાપર તાલુકાના સલારી, ઘાણીથર, ગાગોદર, વલ્લભપર, બાદરગઢ, ખીરઇ, ચિત્રોડ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદનાં ઝાપટાં પડયાં હતાં. આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે વરસાદનાં ઝાપટાં પડયાં હતાં. જેના લીધે ખેડૂતોના ચોમાસુ પાકના મગ, તલ, જુવાર, બાજરી, કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાન થવાની શક્યતા છે. રાપર તાલુકામાં અણધાર્યો વરસાદ પડતાં?ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે. સખત ગરમી વચ્ચે વરસાદ થયો હતો. હાઇવેપટ્ટીના ગામોમાં વરસાદનાં ઝાપટાં પડયાના સમાચાર મળ્યા હતા. પ્રથમ નોરતે વીજળીના કડાકા ભડાકા સાથે કંઠીપટ્ટના મુંદરા તાલુકાના બાબિયા-બેરાજા અને ગેલડા વિસ્તારમાં વરસાદી ઝાપટાં સાથે રસ્તા ઉપર પાણી વહી નીકળ્યા હતા. દિવસ દરમ્યાન ભારે બફારો રહેવા પામ્યો હતો. ડરામણી વીજળીના લિસોટાએ બિહામણું ચિત્ર ખડું કર્યું હતું. વાંકી અને પત્રીમાં છેલ્લા અડધા કલાકથી વરસાદ અને ગાજવીજ ચાલુ છે. બીજી તરફ જિલ્લાના ડિઝાસ્ટર મામલતદાર કચેરી તરફથી મળેલા આંકડા પ્રમાણે અબડાસામાં 37 મિ.મી. ગાંધીધામમાં 20 મિ.મી., ભુજમાં 12 મિ.મી. અને ભચાઉમાં 5 મિ.મી. વરસાદ થયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer