ગાંધીધામ ભચાઉ માર્ગે ટ્રેઈલરની કેબિનમાં આગ : એક મોત, એક દાઝ્યો

ગાંધીધામ ભચાઉ માર્ગે ટ્રેઈલરની કેબિનમાં આગ : એક મોત, એક દાઝ્યો
ગાંધીધામ, તા. 17 : શહેરની ભાગોળે રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર ટ્રેઈલરની કેબિનમાં અચાનક આગ લાગતાં બે જણા દાઝ્યા હતા, જે પૈકી મંગલમ શિવદત્ત (ઉ.વ. 28)નું મોત થયું હતું, જ્યારે મેરસિંગ જીયાલાલને ઈજાઓ થઈ છે. બનાવના પગલે લોકોનાં ટોળાં ઉમટી પડયાં હતાં. આ ઉપરાંત ગાંધીધામમાં રહેણાંક પાસે ઊભેલી કારમાં આગ લાગી હતી.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, આગનો આ બનાવ ગાંધીધામ ભચાઉ ધોરી માર્ગ ઉપર સવારના અરસામાં બન્યો હતો. ચોખા ભરેલા ટ્રેઈલરની કેબિનમાં અચાનક આગ લાગી હતી. કેબિનમાં સવાર મંગલમભાઈ આખા શરીરે ગંભીર રીતે દાઝી મોતને ભેટયા હતા, જ્યારે મેરસિંગભાઈને ઓછી વત્તી ઈજા પહોંચી  હતી.  આગના બનાવના પગલે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. ફાયર ફાઈટરોએ  પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. બનાવ બાબતે મેરસિંગ સામે ટ્રક ભટકાવી અકસ્માત સર્જી આગ લગાડવાનો ગુનો નોંધાયો હતો. દરમ્યાન શહેરના ભટ્ટ નગર વિસ્તારમાં ઘર પાસે ઉભેલી કારમાં અચાનક આગ લાગી હતી. જો કે  આ બનાવમાં કોઈને ઈજાઓ પહોંચી ન હતી. બનાવના પગલે લોકોમાં દોડધામ થઈ પડી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer