ગબ્બર અંબાજીથી પ્રજ્વલિત જ્યોત મોટી વિરાણી લવાઈ

ગબ્બર અંબાજીથી પ્રજ્વલિત જ્યોત મોટી વિરાણી લવાઈ
વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 17 : અહીંના રવિભાણ આશ્રમ રામજી મંદિર સંસ્થાનમાં 251 સુશોભિત ગરબાનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું સાથે અંબાજી શક્તિપીઠના ગબ્બરથી પ્રજ્વલિત કરાયેલી અખંડ જ્યોતને લાવી પ્રત્યેક ગરબાના દીવડા પ્રગટાવી ગરબા વિતરણ કરાયા હતા. સંસ્થાનના મહંત શાંતિદાસજી મહારાજ પ્રેરિત આદ્યશક્તિની આરાધનાના ભાગરૂપે લઘુ મહંત સુરેશદાસજી દ્વારા અંબાજી ગબ્બરથી પ્રજ્વલિત કરાયેલી અખંડ જ્યોત વિરાણી ગામે લઈ આવી ત્યાં જ્યોતનું વાજતે ગાજતે સામૈયું કરી રામ મંદિરે લઈ આવવામાં આવી હતી તથા મહિલા મંડળની રાહબરી હેઠળ સંત શાંતિદાસજી મહારાજ તથા લઘુમહંત સુરેશબાપુના હસ્તે ગરબાનું વિતરણ કરાયું હતું. ગરબો અખિલ બ્રહ્માંડનું પ્રતીક છે. તેમાં 27 છીદ્ર છે પૈકી 9ની 3 લાઈન બરાબર 27 નક્ષત્ર. એક નક્ષત્રના 4 ચરણ, 27ને ગુણતાં 108 થાય જેનો ભાવાર્થ કરતાં શાત્રમાં પણ ઉલ્લેખ છે. ગરબીને 108 વાર ઘૂમવાથી એટલે કે રમવાથી આખાં બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવા જેટલું પુણ્ય મળે છે તેવું શાત્રો કહે છે. ગરબે રમવાનું મહત્ત્વ સમજાવતાં સંત શાંતિદાસજી મહારાજે નવરાત્રિ મહોત્સવના મૂલ્યો જીવનમાં આચરવાથી સત્વ શક્તિનો સંચાર થાય છે તેવાં આશીર્વચન આપ્યાં હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer