દેશલપર પાસે કાર તળે મુંબઇના એક્ટિવા ચાલકનું મોત : ગાંધીધામ નજીક વાહન હેઠળ રાહદારીનું મૃત્યુ

દેશલપર પાસે કાર તળે મુંબઇના એક્ટિવા ચાલકનું મોત : ગાંધીધામ નજીક વાહન હેઠળ રાહદારીનું મૃત્યુ
ભુજ, તા. 17 : તાલુકામાં દેશલપર (વાંઢાય) ગામ નજીક ચેકપોસ્ટ પાસે કાર સાથેના અકસ્માતમાં એક્ટિવા સ્કૂટરના ચાલક મુંબઇના ભરતભાઇ મનજી ભાનુશાલી (ઉ.વ.52)ને મોત આંબી ગયું હતું. તો પૂર્વ કચ્છમાં ગાંધીધામ-કંડલા વચ્ચેના ધોરીમાર્ગ ઉપર કોઇ ભારવાહક વાહન તળે આવી જવાથી લેખબહાદુર ભીમબહાદુર ભુજેલનું તત્કાળ મૃત્યુ થયું હતું. બીજીબાજુ આદિપુર શહેરમાં 60 વર્ષની વયના બાબુભાઇ સુમાર મહેશ્વરીએ ગળેફાંસો ખાઇને પોતાના જીવનનો કોઇ કારણોસર અંત આણ્યો હતો. જયારે ભુજમાં કૈશ્લયાબેન તારાચંદ મેઘાણી (ઉ.વ.70)નું અચાનક લોહીની ઉલટી થયા બાદ સારવાર નસીબ થાય તે પહેલાં જ જીવનદીપ બુઝાયો હતો. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ દેશલપર (વાંઢાય) ગામ નજીક કાર્યરત ચેકપોસ્ટથી નલિયા તરફ જવાના માર્ગ ઉપર આજે સવારે જીવલેણ અકસ્માત થયો હતો. જેમાં મુંબઇના ઘાટકોપરમાં અસલફા વિસ્તારમાં રહેતા ભરતભાઇ ભાનુશાલીની જીવનયાત્રા પૂર્ણ થઇ હતી. આ હતભાગી મુંબઇથી ભુજ આવ્યા બાદ એક્ટિવા સ્કૂટરથી અબડાસાના મોખરા ગામે દર્શન કરવા માટે નીકળ્યા હતા. પાછળથી આવી રહેલી કારની હડફેટે આવી જવાથી તેમને માથાંમાં ગંભીર ઇજાઓ થઇ હતી. જે સારવાર મળે તે પહેલાં જ તેમના માટે જીવલેણ સાબિત થઇ હતી.પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગાંધીધામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર માર્ગ અકસ્માતનો બનાવ ગત તા. 15ના સાંજના અરસામાં બન્યો હતો.  હતભાગી  યુવાન રસ્તો પસાર કરતો હતો તે અરસામાં પૂરઝડપે આવતા અજાણ્યા વાહનના ચાલકે હતભાગી યુવાનને હડફેટે લઈ લીધો હતો.  ગંભીર ઈજાઓથી સારવાર મળે તે પૂર્વે જ યુવાને દમ  તોડી દીધો હતો. પોલીસે પુરનબહાદુર ભુજેલની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ  હાથ ધરી છે. આદિપુરમાં રેલવે સ્ટેશન ઝુંપડા નજીક અકસ્માત મોતનો બનાવ ગત તા. 16ના સાંજે 8.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી આધેડે કોઈ પણ કારણોસર મેલડી માતાજીના મંદિરની બાજુમાં લીમડાના ઝાડમાં ગળાંફાંસો ખાઈ ફાની દુનિયાને અલવિદા કહી હતી. આધેડે કયા કારણોસર આ આત્મઘાતી પગલું  ભર્યું તે બાબત અકળ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે ભુજમાં કેમ્પ વિસ્તારમાં રહેતા કૈશ્લયાબેન મેઘાણીના અપમૃત્યુની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ આ વૃદ્ધાને ગતરાત્રે સાંઇબાબાના મંદિર પાસે ઘરે હતા ત્યારે તેમને અચાનક લોહીની ઉલટી થઇ હતી. આ પછી તેમને હોસ્પિટલ ખસેડાયાં તે દરમ્યાન તેમણે દમ તોડી દીધો હતો. ભુજ બી. ડિવિઝન પોલીસે મૃત્યુના કારણ સહિતની આગળની તપાસ હાથ ધરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer