પ્રવાસી શિક્ષકોને ગત માર્ચ માસથી પગાર ન મળતાં આર્થિક મુશ્કેલીમાં

પ્રવાસી શિક્ષકોને ગત માર્ચ માસથી પગાર ન મળતાં આર્થિક મુશ્કેલીમાં
રાપર, તા. 17 : ગુજરાત સરકારની ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં ફરજ બજાવતા અંદાજે પાંચ હજાર જેટલા પ્રવાસી શિક્ષકને ગત માર્ચ માસથી પગાર ન ચૂકવાતાં આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ પ્રશ્નનો યોગ્ય નિકાલ ન આવે તો આગામી 9મીએ યોજાનારી પેટા ચૂંટણીના સ્થળે તેમજ ગાંધીનગર કક્ષાએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.કોરોના મહામારીના કારણે ગત માર્ચ માસથી શૈક્ષણિક કાર્ય બંધ છે, તેમ શાળાઓ પણ બંધ છે. જેના કારણે સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોને પગાર ન ચૂકવાતાં હાલત કફોડી બની છે, તેમ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત પ્રવાસી શિક્ષકોને રવિવાર જાહેર રજા અને વેકેશનનો પગાર પણ આપવામાં આવતો નથી. તો ગત 2015થી પગારમાં કોઇ જ વધારો પણ કરવામાં આવ્યો નથી તેમજ સી.એલ. કે કોઇ રજા પણ અપાતી નથી.આ બાબતે શિક્ષકો દ્વારા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સંઘના પ્રમુખ દિવ્યરાજસિંહ જાડેજા, રાપર તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને આવેદન આપી આર્થિક સ્થિતિ વિશે વાકેફ કરાયા હતા.પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો અગામી પેટા ચૂંટણીના સ્થળોએ તેમજ ગાંધીનગર કક્ષાએ ઉપવાસ સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હોવાનું કીર્તિભાઇ રાવત, ચંદુભાઇ ગોહિલ, રઘુજીભાઇ મકવાણા, મનુભાઇ પ્રજાપતિ, અશોકગિરિ ગોસ્વામી, કિશોરભાઇ ચાવડા, અમૃતભાઇ વાળંદ, અમૃતભાઇ કાઠેચા, નેહાબેન, રિંકલબેન, દયાબેન, ચંપાબેન સહિતના શિક્ષકોએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer