કોંગ્રેસને સરસાઈથી જીતનો વિશ્વાસ

કોંગ્રેસને સરસાઈથી જીતનો વિશ્વાસ
વિથોણ, તા. 17 : નખત્રાણાના સેવાભાવી પાટીદાર તબીબ સાથે અ.ભા.ક. કડવા પાટીદાર સમાજના ઉપપ્રમુખ અને ડો. શાંતિલાલ સેંઘાણીને કોંગ્રેસ પક્ષે ટિકિટ ફાળવતાં જ્ઞાતિજનોમાં ઉત્સાહ જોવા મળે છે. તેઓ ફોર્મ ભર્યા બાદ કુળદેવી ઉમિયા માતાજીના દર્શને વાંઢાય પહોંચ્યા હતા. ડો. સેંઘાણી વર્ષોથી કોંગ્રેસ પક્ષના કાર્યકર રહ્યા છે. તેમની વર્ષોની સેવાને ધ્યાનમાં રાખીને પક્ષે તેમને ધારાસભ્યની ટિકિટ આપી છે અને પોતે મોટી સરસાઈથી જીતશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો. ઈતિહાસ એવું કહે છે કે, અબડાસા વિધાનસભાની સીટ ઉપર કોઈ પણ ઉમેદવાર પુન: ચૂંટાયો નથી, પરંતુ આ વર્ષે બેઉ બળિયા બાથે વળગિયા છે. વર્તમાન કાળમાં ચૂંટણી લડવી એ સાત કોઠાના ચક્રવ્યૂહ જેવી છે. મતદારો પણ ખૂબ જ તૈયાર છે. ડો. શાંતિલાલ સેંઘાણીને કોંગ્રેસ તરફથી ટિકિટ મળવાની સત્તાવાર જાહેરાત પછી તેઓ કુળદેવી ઉમિયા માતાજી (વાંઢાય) ખાતે આશીર્વાદ લેવા ગયા હતા. તેમની સાથે સંસ્થાના પ્રમુખ હંસરાજભાઈ ધોળુ, ઈશ્વરભાઈ ભગત, પ્રવીણભાઈ ધોળુ તેમજ મંદિરના પૂજારીએ આશીર્વાદ આપ્યા હતા. જીતના વિશ્વાસ સાથે ડો. સેંઘાણીએ પ્રચારનું રણશિંગું ફૂંક્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer