ચીનને ભરી પીવા ભારતે સાત સ્થળે એલએસી પાર કરી

નવી દિલ્હી, તા.17: ભારત સાથેના સરહદી વિવાદમાં ચીને શરત મૂકી છે કે પેંગોંગ ઝીલના દક્ષિણ કિનારેથી  સરહદ પાસે આગળની સ્થિતિએથી પહેલા ભારત પોતાના દળો પાછા ખેંચે જેના જવાબમાં ભારે સ્પષ્ટ કહ્યું કે દળો હટશે તો બંન્ને તરફથી. એક તરફી કાર્યવાહી નહીં કરાય. ઉચ્ચ પદસ્થ સૂત્રોને ટાંકી અહેવાલ આવ્યા છે કે ચીની ઘૂસણખોરીના જવાબમાં ભારતે 7 સ્થળે એલએસી પાર કરી છે. ભારતીય જવાનોએ ઓગષ્ટના અંતમાં ચુશૂલ સબ સેકટરમાં પોતાના પેટ્રોલિંગ પોઈન્ટથી આગળ વધી એડવાન્સ પોઝીશન પર કબ્જો જમાવ્યો છે. હવે આ વિસ્તારમાં ભારતનો દબદબો છે. ભારતની નજર હવે સ્પાંગુર પર છે અને મોલ્દોમાં ચીની ટુકડી પણ નજર હેઠળ છે આમ ચીનનું વલણ બદલાઈ ગયું છે. ભારત સામે ચાલબાજી ઉંધી પડતા ચીન રઘવાયુ બની ગયું છે. ચીન વાતચીતનો માત્ર દેખાડો કરી રહ્યું છે. તેની દાનતમાં ખોટ છે જે ભારત બરાબર જાણે છે. એટલે જ સૈન્યસ્તરની 7 રાઉન્ડની બેઠક બાદ પણ ભારતે ચીનને મચક આપી નથી. ચીન જો સરહદે શાંતિની વાતો કરતું હોય તો પછી સૈન્ય જમાવડો શા માટે કર્યો ? યુદ્ધની ધમકીઓ શા માટે આપે છે ? ચીન કંઈપણ કરી શકે તેના પર ભરોસો કરી શકાય નહીં તે બાબત સ્પષ્ટ બની છે.  એલએસી પર હાલ તાપમાન માઈનસ 10 ડિગ્રીએ પહોંચી ગયું છે અને નવેમ્બર સુધીમાં તે માઈનસ 30 થી 40 ડિગ્રી સે. સુધી નીચુ જઈ શકે છે. આમ કાતિલ ઠંડી ચીનને પીછેહઠ કરવા અથવા સૈનિકો ઘટાડવા મજબૂર કરી શકે છે. ગત જૂનમાં પૂર્વ લદ્ખાની ગલવાન ઘાટીમાં થયેલી અથડામણે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને બગાડવામાં મોટી ભૂમિકા ભજવી હોવાનું ભારતના વિદેશ બાબતના મંત્રી એસ.જયશંકર માને છે. વરર્ચુઅલ પ્લેટફોર્મ પર એશિયા સોસાયટીને સંબોધતા તેમણે કહ્યું કે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં બન્ને પક્ષે ખુવારી થઈ હતી. આ બનાવની ભારતમાં રાજકીય અને ચીન અંગેની જે લોકપ્રિય સમજશક્તિ છે તેને મોટી અસર થઈ છે. છેલ્લા 3 દાયકામાં ભારત અને ચીન વચ્ચે એક સંબંધ ઉભા થયા હતા જેના આધાર પર વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર શાંતિ અને સુલેહનું વાતાવરણ હતું.વર્ષ 1993ની શરૂઆતથી સરહદે શાંતિ અને સુલેહ માટે એકથી વધુ કરાર થયા છે. જેને કારણે સરહદે સૈન્યનો જમાવડો મર્યાદિત હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer