ડુંગળી-બટાટાના વધેલા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું

મોટી વિરાણી, તા. 17 : ગરીબોની કસ્તુરી ગણાતાં ડુંગળી તેમજ બટેટાના આસમાને પહોંચેલા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. વધતા ભાવથી ન માત્ર ગરીબો બલ્કે મધ્યમ વર્ગની ચિંતા પણ વધી ગઇ છે. સામાન્યથી ગરીબ માણસના રોજબરોજ ભાણામાં પિરસાતી ડુંગળીના ગત જાન્યુઆરી માસમાં સિઝનમાં ઘટીને કિલો 1ના ભાવ 10 થઇ?ગયા હતા, જે હાલે માલની  અછતના કારણે રૂા. 60થી ઉપર થઇ જતાં વપરાશકારો માટે મુશ્કેલી સર્જાઇ છે. જિલ્લા મથક ભુજના ડુંગળીના જથ્થાબંધ વેપારીઓના  જણાવ્યા મુજબ સપ્ટેમ્બર માસમાં ડુંગળી પેદાશના મુખ્ય મથકો બંગાળ, નાસિક, મહારાષ્ટ્ર તેમજ કાઠિયાવાડના વેરાવળ સેન્ટરોમાં થયેલી અતિવૃષ્ટિના કારણે વાવેતર કરાયેલા ડુંગળીના પાકનું ધોવાણ થઇ જતાં વર્તમાન સમયે માલની અછત સર્જાતાં દિન-પ્રતિદિન ભાવમાં ઉછાળો આવે છે. ગરીબ વર્ગ માટે ગણાતી કસ્તુરીના ભાવ જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે બેફામ ભાવવધારાએ ઇતિહાસ સર્જ્યો છે. વર્તમાન સમય પેટાચૂંટણી અને આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ડુંગળીના ભાવે માઝા મૂકતાં  ચિંતા સર્જી છે. બીજી તરફ ડુંગળીના સમોવડિયા બટાટાના ભાવ પણ કિ.ના 40થી 45 થઇ જતાં વપરાશકારો માટે આર્થિકપણે મુશ્કેલીજનક છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer