અબડાસા પેટાચૂંટણી જંગ : ચકાસણીમાં સાત ફોર્મ અમાન્ય ઠર્યા

નલિયા, તા. 17 : અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે આજે પ્રાંત કચેરીમાં હાથ ધરાયેલી ચકાસણી દરમ્યાન સાત ઉમેદવારી ફોર્મ રદ કરાયા હતા. 32 નામાંકનપત્રો ભરાયા હતા તે પૈકી 19 ઉમેદવારોના 25 નામાંકનપત્રો માન્ય રખાયા છે. રદ થયેલા ઉમેદવારીપત્રોમાં 4 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેમાં આરતી ઈશ્વરગિરિ ગોસ્વામી દ્વારા એફિડેવિટમાં ભરવાના થતાં અમુક ખાના ખાલી રખાયા હતા. જિજ્ઞાબા કારૂભા ગોહિલ દ્વારા એફિડેવિટમાં ભરવાના થતા અમુક ખાના ખાલી રાખ્યા હતા. નુરલ જુમા જત દ્વારા ભાગ-1 અને 2ની વિગતો અધૂરી રખાઈ હતી. હિમતભાઈ હીરજી ઠક્કર દ્વારા 10 ટેકેદારની દરખાસ્ત કરાઈ ન હોતાં ઉમેદવારીપત્રો રદ કરાયા હતા. તે ઉપરાંત ત્રણ રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને બહુજન મુક્તિ પાર્ટીના ડમી ઉમેદવારોના ફોર્મ રદ કરાયા છે. જેના કારણમાં મુખ્ય ઉમેદવારોના ફોર્મ માન્ય રહેતાં વૈકલ્પિક ઉમેદવાર હોવાના કારણે ઉમેદવારીપત્રો રદ કરાયા હતા. આયર રાજેશ મમુભાઈ-કોંગ્રેસ, ડાયાણી જયસુખલાલ હરજી-ભાજપ, બ્રિજેશ આધમભાઈ કોલી-બહુજન મુક્તિ પાર્ટીનો સમાવેશ થાય છે. ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તા. 19 હોતાં ઉમેદવારોનું આખરી ચિત્ર ત્યારે સ્પષ્ટ થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer