કચ્છમાં કોરોનાના નવા 15 કેસ; 25 દર્દી સાજા થયા

ભુજ, તા. 17 : કચ્છમાં કોરોનાના કેસમાં ઉતાર-ચડાવના દોર વચ્ચે આજે જિલ્લામાં નવા 15 કેસ નોંધાયા તેની સામે 25 દર્દીઓએ સાજા થઇને આ રોગને મહાત આપી હતી. જિલ્લામાં સર્વાધિક 7 કેસ ભુજ શહેર-તાલુકામાં નોંધાયા હતા, પણ લાંબા સમય પછી ભુજ શહેરમાં માત્ર બે  જ કેસ નોંધાતાં મોટી રાહત થઇ હતી. શહેરી વિસ્તારમાં  સૌથી વધુ ચાર કેસ અંજારમાં નોંધાયા હતા. તો કોરોનાના સક્રિય કેસનો આંક ઘટીને 294 પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગની યાદી અનુસાર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 2529 થયો છે. 2116 દર્દીઓ સાજા થયા છે, જ્યારે મૃતાંક 70 પર અટકેલો રહ્યો છે.જિલ્લામાં સક્રિય કેસની ઘટતી સંખ્યા વચ્ચે કોરોનાના રિકવરી રેટમાં નોંધપાત્ર વધારો થયો છે અને આ આંક હવે 84 ટકાની નજીક પહોંચી ગયો છે. તો સક્રિય કેસની ટકાવારી 12 ટકાના આંકે આવીને અટકી ગઇ છે. તંત્રના સત્તાવાર આંક અનુસાર જિલ્લામાં 70 મોત થયાં છે. કોરોનાની મૃતાંકની ટકાવારી 2.78 ટકા જેટલી નીચી રહેવા પામી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer