ગાગોદરમાં બે મકાનમાંથી થયેલી ચોરીનો આંક 6.29 લાખ: પોલીસ દોડધામમાં

ગાંધીધામ, તા. 17 : રાપર તાલુકાના ગાગોદરમાં ધોળા દિવસે બે બંધ મકાનમાંથી ચોરીના બનાવમાં રોકડા તથા સોના-ચાંદીના દાગીના સહિત રૂા. 6.29 લાખની માલમત્તાની ચોરી થઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતું. પોલીસના સત્તાવાર સાધનોએ   ખેતીકામ કરનારા દિલીપભાઈ કરશનભાઈ આરઠિયા( પટેલ)ની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે ગોકુળધામ  સોસાયટીમાં  તા. 16/10ના  સવારે 11.30 વાગ્યા થી 1.30 વાગ્યા સુધીના અરસામાં ચોરીનો  બનાવ બન્યો હતો.  હરામખોરોએ  દિલીપભાઈનાં  મકાનમાંથી  રોકડા  રૂા. 10 હજાર, એક કિલોના ચાંદીનાં કડલાં  કિં. રૂા.55 હજાર, 2 ગ્રામની સોનાની વીંટી રૂા. 6 હજાર, 2 તોલાનો સોનાનો હાર કિં. રૂા. 50 હજાર, એક તોલાની સોનાની ચેન કિં. રૂા. 32 હજાર, સોનાની બે વીંટી 3 ગ્રામ કિં. રૂા. 9 હજાર, સોનાનું મંગળસૂત્ર બે તોલા કિં. રૂા. 58 હજાર સાથે  કુલે રૂા.2.20 લાખની ચોરી કરી હતી.  ફરિયાદી દિલીપભાઈના  પરિવારજનો  વાડીએ આવ્યા  હતા તે વાડીથી પરત ફરતાં ઘર વેર-વિખેર હાલતમાં હોવાનુ પોલીસે  જણાવ્યું હતું. આ  મકાનના બાજુમાં આવેલા અન્ય એક બંધ મકાનને પણ  તસ્કરોને નિશાન બનાવ્યું હતું.  મકાનમાલિક અંબાવીભાઈ જેશાભાઈ આરેઠિયા (પટેલ) વાડીએ કામસર ગયા હતા. અજાણ્યા શખ્સેએ આ મકાનના કબાટમાંથી સોનાનું મંગળસૂત્ર આશરે સવા પાંચ તોલા કિં. રૂા. 1.80 લાખ, સોનાની  રામરામી આશરે ત્રણ તોલા કિં. રૂા. 81 હજાર, અઢી તોલાનાં અંદાજનો સોનાનો ચેન  કિં. રૂા. 69 હજાર,સોનાની ચેન અડધો તોલો કિં. રૂા. 18 હજાર,સોનાની પાંચ વીંટી  આશરે વજન દોઢ તોલા કિં. રૂા. 22 હજાર, બે ગ્રામની સોનાની ડોડી  કિં. રૂા. 4 હજાર, સોનાની બૂટી  નં. 2 જેનું વજન નવ ગ્રામ કિં. રૂા. 16 હજાર, ચાંદીના ઝાંઝરી વજન 250 ગ્રામ કિં. રૂા. 15 હજાર,50 ગ્રામનાં ચાંદીનાં સાંકળાં કિં. રૂા. 3 હજાર તથા ચાંદીની  પોચી કિં. રૂા. 3 હજાર સાથે કુલે રૂા. 4,09,000 સહિત બંને મકાનમાંથી 6,29,000 ની માલમત્તા ની ચોરી થઈ હતી.  ચોરીના આ બનાવ સંદર્ભે સી.સી.ટી.વી.  કેમેરા ફૂટેજ સહિતની દિશામાં પોલીસે પગેરું દબાવ્યું છે. આ અંગે વધુ તપાસ આડેસરના પી.એસ.આઈ. વાય.કે. ગોહિલ ચલાવી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer