ભુજના જૂની રાવલવાડી અને આજુબાજુનો નાની-મોટી સમસ્યાથી ઘેરાયેલો વિસ્તાર

ભુજ, તા. 17 : અહીંના જૂની રાવલવાડી અને આજુબાજુનો વિસ્તાર સમસ્યાથી ઘેરાયેલો છે. જાગૃત નાગરિકો દ્વારા આ પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત તંત્રો દ્વારા કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે. જૂની રાવલવાડી, ગાયત્રી, ગણેશ મંદિર વિસ્તારમાં પાંચ-છ દિવસે પાણી દોઢ કલાક જેટલા સમય પ્રમાણે અપાય છે. હાલે પુષ્કળ વરસાદ થયો છે ત્યારે દર ચોથા દિવસે આપવું જોઈએ. રામદેવપીર મંદિરથી સિદ્ધાર્થ પાર્ક રસ્તે ઘણા સમયથી વરસાદથી રસ્તો ધોવાઈ ગયો છે. નાના-મોટા વાહનો પસાર થઈ શકતાં નથી. ડોર ટુ ડોર કચરો લેવાની કામગીરી અનિયમિત છે. ક્યારેક એકાંતરે તો ક્યારેક ચાર-પાંચ દિવસે આવે છે. જેથી ઘરનો કચરો સાચવવો મુશ્કેલ બને છે. જૂની રાવલવાડી વિસ્તારની અમુક જગ્યાઓ જેમ કે ગાયત્રી ગરબી ચોકથી સિદ્ધાર્થ પાર્ક ગેટ, ભીમરાવ નગર ફૂટપાથ પર, ભીમરાવનગર સ્કૂલ રસ્તે વાલરામ વંદના પુલ પાસે મહેશ્વરી સમાજવાડી પાછળ દેવીપૂજક રસ્તે કાયમ કચરો હોય છે. વળી શહેરનો કચરો મન ફાવે ત્યારે આ જ રસ્તા પર નાખે છે. ત્રણ-ચાર દિવસ પહેલાં આ રસ્તે કચરો સળગાવવામાં આવ્યો હતો જેથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. કોડકી રોડ અંબાજીના મંદિરથી બી.એસ.એફ. ચોકડી રોડ, કોડકી રોડ 36 મીટર રિંગ રોડ સુધી ડિવાઈડર અને ફૂટપાથ ગાંડા બાવળથી ઘેરાયેલા છે તેમજ ફૂટપાથની સાઈડમાં રેતી ખૂબ જ હોવાથી પગે ચાલવું પણ મુશ્કેલ છે. બી.એસ.એફ. ચોકડીથી દેવીપૂજકવાસ રસ્તે રોડ લાઈટ શોભાના ગાંઠિયા સમાન છે. આ વિસ્તારમાં અંધકાર હોય છે તો બી.એસ.એફ. ચોકડી પાસે ઘણા સમયથી ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. જેના પર વાહનો ચાલે છે. આ જ ચોકડી પાસે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ઝાડી, પથ્થરો મૂકવામાં આવ્યા છે. ત્યાં રસ્તો કે નાળું બેસી ગયું છે જેને એકાદ માસ જેટલો સમય થયો તંત્રએ મરંમત કરવાની તસ્દી લીધી નથી. આ વિસ્તારમાંથી કર્મચારીઓ-પદાધિકારીઓ પસાર થાય છે પણ આ સમસ્યા દેખાતી નથી. કામગીરી કરાવવામાં નીરસતા હોય તેમ લાગે છે તેવું નારાજગી સાથે જાગૃત નાગરિકે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer