ચૂંટણીલક્ષી જાહેરાત, બેનર, કટઆઉટ મંજૂરી બાદ જ લગાવી શકાશે

ભુજ, તા. 17 : અબડાસા વિધાનસભા વિસ્તારમાં 3જી નવેમ્બરના મતદાન થનાર છે. જે સંદર્ભે રાજકીય પક્ષ/ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ, જાહેરાત પાટિયાં/બેનર વગેરે દ્વારા આડંબરયુક્ત પ્રદર્શન ન થાય તે હેતુથી રાજ્ય ચૂંટણી પંચે નક્કી કરેલ આચારસંહિતા મુજબ નિયમન કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. દ્વારા મુંબઇ પોલીસ અધિનિયમ 1951ની કલમ 33 (1) (ડી.એ.). (ડી.બી.)થી મળેલ સત્તાની રૂએ ચૂંટણીલક્ષી જાહેરાત, પાટિયા, બેનર, કટઆઉટ મૂકવા તાત્કાલિક અમલમાં લાવવા જરૂરી હોઇ નિયમોનું પાલન કરવા કોઇપણ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા વ્યકિત દ્વારા કટઆઉટ, હોર્ડિંગ્ઝ, તોરણો, ધ્વજ, પતાકા વગેરે કોઇ પણ સરકારી મિલકત/જાહેર ઈમારત પર મૂકી કે પ્રદર્શિત કરી શકાશે નહીં. સ્થાનિક કાયદાઓ જ્યાં તેના માલિકની પરવાનગીથી ખાનગી જગ્યામાં દીવાલો પર લખાણ કરવાની અને પોસ્ટરો ચોંટાડવાની, પાટિયા, ઝંડા વગેરે લગાડવાની મંજૂરી આપતા હોય ત્યાં ચૂંટણી લડતા ઉમેદવારોએ અથવા સબંધિત રાજકીય પક્ષોએ મિલકતના માલિક પાસેથી લેખિત પરવાનગી તેમજ સંબંધિત ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. મેળવેલ લેખિત પૂર્વ પરવાનગી તથા પૂર્વ મંજૂરીની નકલ તથા મિલકત ધારકના નામ, સરનામા અને થનાર ખર્ચની વિગતે લેખિતમાં મદદનીશ ચૂંટણી અધિકારીને ચૂંટણીપંચે નક્કી કરેલ નમુનામાં પૂરી પાડવાની રહેશે.હોર્ડિગ્ઝની સાઈઝ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ કે નગરપાલિકા કે પંચાયત વિ. દ્વારા નિયમોને આધીન તેઓની મંજૂરી મેળવી તે નિયત સાઈઝની મર્યાદામાં મૂકવાના રહેશે. કટઆઉટની ઉંચાઇ 8 ફૂટથી વધારે જોઇએ નહીં. આ અંગેનો ખર્ચ જે તે વિસ્તારમાં હોર્ડિંગ્ઝ/કટઆઉટ વગેરે મૂકેલ હોય તદ્અનુસાર ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં યોગ્ય સ્થળે દર્શાવવાનું રહેશે.આ જાહેરનામાનો અમલ તા.12/11/2020 સુધી કરવાનો રહેશે. આ નિયમોનો ભંગ કરનારને ભારતીય ફોજદારી ધારાની કલમ-188 તથા 171 (ઝ) મજબ શિક્ષાને પાત્ર ઠરશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer