કોરોના પીડિતો માટે 10 વિમાન મસ્કતથી અમદાવાદ પહેંચ્યા

માંડવી, તા. 17 : મસ્કત ગુજરાતી સમાજ ઓમાનની ધરતી પર સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો છે. વતન ગુજરાતની ગરિમાપૂર્ણ અસ્મિતા સાથેના અનેકવિધ કાર્યક્રમો તેમજ મસ્કતમાં વિવિધ સાંસ્કૃતિક, સાહિત્યિક, શૈક્ષણિક તેમજ અન્ય સામાજિક પ્રવૃત્તિઓ સાતત્યપૂર્ણ રીતે કરી રહેલી આ સંસ્થા કુદરતી આપત્તિઓ સમયે માનવસેવાના કાર્યો કરવા હંમેશાં અગ્રેસર બનતી આવી છે. છેલ્લા આઠ મહિનાથી કોરોના વાયરસના સમયગાળામાં લોકડાઉન જેવી પરિસ્થિતિ દરમ્યાન પણ ગુજરાતી જનતા અને ખાસ કરીને અન્ય જ્ઞાતિજનોને મદદરૂપ થવા સમાજ હામી બન્યો છે. આ પ્રવૃત્તિઓ અંગે મસ્કત ગુજરાતી સમાજના ઉપપ્રમુખ ચંદ્રકાંત ચોથાણીના જણાવ્યા મુજબ મસ્કતના રાજા સુલતાન તથા મસ્કત ઓમાનની સરકારની સેવાઓ સરાહનીય રહી છે. મસ્કત ગુજરાતી સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ સામાજિક જવાબદારીઓનો જ એ હિસ્સો છે. ભારતના રાજદૂત મનુ મહાવર, ઈન્ડિયન સોશિયલ ક્લબના ચેરમેન ડો. સતીશ નાંબિયાર અને સી.અમે. સરદાર, હિન્દુ મહાજન એસોસીએશનના કનકશેઠ ખીમજી, અનિલભાઈ ખીમજી, કિરણભાઈ આશર, રાજુભાઈ વેદ, ગુજરાતી સમાજના પ્રમુખ અરવિંદભાઈ ટોપરાણી તેમજ સમગ્ર કમિટીના સભ્યો સંસ્થાના અનેકવિધ કાર્યોમાં હંમેશાં પીઠબળ પૂરું પાડી રહ્યા છે. મસ્કત ગુજરાતી સમાજ-ઈન્ડિયન સોશિયલ ક્લબ, ઓમાન તેમજ ઈન્ડિયન એમ્બેસી અને ફોરેન મિનિસ્ટ્રીના સહયોગથી 10 ફ્લાઈટનું આયોજન મસ્કતથી અમદાવાદનું થયું હતું. જ્યારે મસ્કત અને અમદાવાદના એરપોર્ટ બંધ હતા તેવા કઠિન સમયની ઘડીમાં દર્દીઓ અને કોરોના પીડિતો કે જેમના વડીલો બીમાર તથા અસરગ્રસ્ત બન્યા હોય તે સર્વ ગુજરાતીઓના પરિવારોને સુખરૂપ તેઓને ઘેર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer