`92 ના કારમા દુષ્કાળ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની મુદ્દત વધી હતી તેમ કોરોનામાં વધશે ?

ભુજ, તા. 17 : આગામી 21મી ડિસેમ્બરે વર્તમાન જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની મુદ્દત પૂરી થઇ રહી છે ત્યારે 1992ના કારમા દુષ્કાળની પરિસ્થિતિ વખતે તત્કાલીન પ્રમુખ વેલજીભાઇ બીજલ હુંબલની મુદ્દત વધારવામાં આવી હતી તેમ કોરોના કાળમાં વર્તમાન પ્રમુખની મુદ્દત વધશે તેવો સવાલ રાજકીય વર્તુળોમાંથી ઊઠી રહ્યો છે. કોરોનાના કારણે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા પર હાલ પૂરતી બ્રેક લગાવવામાં આવી છે. અને ત્રણ માસ સુધી વહીવટદારના શાસનના પડઘમ સંભળાઇ રહ્યા છે તે  વચ્ચે વર્તમાન પ્રમુખની મુદ્દત વધારવાની ચર્ચાના વમળમાં સવાલ ઊઠી રહ્યો છે. 1987માં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનું શાસન હતું અને પ્રમુખપદે વેલજીભાઇ બીજલ હુંબલ ચૂંટાયા હતા, પરંતુ 1992માં તેમની મુદ્દત પૂર્ણ થઇ હતી અને તે સમયે કચ્છમાં કારમા દુષ્કાળની સ્થિતિ પ્રવર્તી હતી. જેથી અછતના સમયમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે શ્રી હુંબલની 20 મહિના જેટલી મુદ્દત વધારી આપવામાં આવી હતી. હાલ પણ છેલ્લા સાતેક માસથી દેશમાં કોરોનાની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે જેના કારણે ચૂંટણી યોજી શકાય તેમ ન હોઇ વર્તમાન પ્રમુખની મુદ્દત વધારવાનું પુનરાવર્તન થશે કે પછી વહીવટદાર નિમાશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.દરમ્યાન જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું કે, ત્રણેક મહિના ચૂંટણી ઠેલાય તો વર્તમાન પ્રમુખની મુદ્દત વધારી શકાય છે, પરંતુ વધુ સમય સુધી પ્રમુખપદે ચાલુ રહી શકે નહીં તેથી વહીવટદાર નીમવા પડે. તેમ જો વહીવટદાર નીમવામાં આવે તો વિકાસકામોની ગતિ પણ મંદ પડી જવાની શક્યતા રહેતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લા પંચાયતમાં અત્યાર સુધી ત્રણ વખત  વહીવટદાર નિમાયા છે. જેમાં વર્ષ 1974માં  1 વર્ષ, 10  મહિના અને 1 દિવસ વહીવટદારનું શાસન હતું તેવી જ રીતે 1993માં  1 વર્ષ, 8 માસ અને પાંચ દિવસ તથા વર્ષ 2000માં માત્ર 3 માસ માટે વહીટદાર નિમાયા હતા. તેવી જ રીતે  પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડા 1983માં પ્રમુખ શિવદાસ પટેલ કોઇ કારણોસર રજામાં જતાં 29 દિવસ કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી. તો વર્ષ 2005માં જાગુબેન બાબુલાલ શાહને ઉથલાવી નવલસિંહ જાડેજા પણ ત્રણ માસ અને 27 દિવસ કાર્યકારી પ્રમુખ તરીકે વરાયા હતા અને 2008માં જીવાભાઇ આહીરના પ્રમુખપણા હેઠળની બોડીમાં ગિરીશભાઇ છેડા 22 દિવસ કાર્યકારી પ્રમુખ રહ્યા હતા. જોકે, હાલ રાજ્યની 31 જિલ્લા પંચાયત પૈકી 27માં કોંગ્રેસ શાસન હોવાથી જેમ બને તેમ વહેલી ચૂંટણી યોજાય તેવું સત્તા પક્ષ ઈચ્છે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer