કાર્તિક પાસે કપ્તાની છીનવી લેવાઇ છે : આકાશ ચોપરા

દુબઈ, તા. 17 : દિનેશ કાર્તિકે કોલકાતાની કપ્તાની છોડ્યા બાદની પોતાની પહેલી જ મેચમાં કેકેઆરને હારનો સામનો કરવો પડયો છે.મુંબઈએ કોલકાતાને ગઈ કાલે 19 દડા બાકી હતા ત્યારે આઠ વિકેટે કારમો પરાજય આપ્યો હતો. કાર્તિક આ મેચમાં નિષ્ફળ રહ્યો, જ્યારે નવા કપ્તાન ઈયોન મોર્ગને 29 દડામાં 39 રન કર્યા હતા. સ્પર્ધાની અધવચ્ચે કપ્તાની છોડવાના કાર્તિકના એલાનને લઈને ચર્ચા છેડાઈ છે અને પૂર્વ ભારતીય ઓપનર તેમજ કોમેન્ટેટર આકાશ ચોપરાએ પરોક્ષ રીતે એવો દાવો કર્યો હતો કે કાર્તિકે ખુદ કપ્તાની છોડી નથી પણ તેને હટાવાયો છે. ચોપરાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ટૂર્નામેન્ટની અધવચ્ચે કપ્તાની છોડવાના નિર્ણય લેવાય નહીં. કાર્તિકની બેટિંગ ખાસ રહી નહોતી એ વાત સાચી છે પણ સામે મોર્ગનની બેટિંગ પણ એવી જ હતી. કેકેઆરે સિઝનની વચ્ચે જ પોતાના કપ્તાનને હટાવી દીધો. મોર્ગન વર્લ્ડકપ વિજેતા ઈંગ્લેન્ડની ટીમનો સુકાની હોવાથી તેને કપ્તાની સોંપવાની ચર્ચા એક વર્ગમાં અગાઉ પણ થઈ હતી. જો કે, કાર્તિક પણ અનુભવી ખેલાડી છે. બેટિંગ ક્રમમાં ફેરફાર અંગેના કેટલાક નિર્ણયોને લઈને કાર્તિકની ટીકા થઈ હતી. ઈરફાન પઠાણે પણ સ્પર્ધાની વચ્ચે કપ્તાન બદલાવાના ઘટનાક્રમને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે સામાન્ય રીતે આવું થતું નથી. આશા રાખું છું કે કોલકાતા દિશા ભટકી જશે નહીં. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer