આદિપુરમાં જૂની લાઈનને બદલે નવી ગટર લાઈનમાં જોડાણનો ભારે વિરોધ

ગાંધીધામ, તા. 17 : આદિપુરના એસ.બી.એકસ. વિસ્તારના રહેણાંક મકાનોનું નવી ગટર લાઈનમાં   જોડાણ મુદે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. આદિપુરના એસ.બી.એકસ -જૂની પંદરવાળી વિસ્તારના એસ.બી.એકસ 85થી એસ.બી.એકસ 96 નંબરના સમાંતર આદિપુર શહેરની ગટર લાઈનનું જોડાણ કરવાનું કાર્ય આરંભવામાં આવ્યું છે. પરંતુ હાલની કાર્યરત ગટર લાઈનમાં  આજદિન સુધી કોઈ જાતનો વિક્ષેપ સર્જાયો નથી. તેમજ કાર્યરત લાઈનની સમાંતર  લાઈન જોડવાની પુષ્કળ જગ્યા છે. જેમાં  કોઈ વળાંક નથી  તથા જમીન સમથળ છે તે જગ્યા પર લાઈન જોડાણ યોગ્ય  રીતે થઈ શકશે. જે મુખ્ય લાઈન ટાગોર  રોડથી સમાંતર કાર્યરત છે તે લાઈનમાં ફોલ્ટ છે. જેના લીધે વરસાદમાં ગટર લાઈન ઉભરાઈને બહાર આવે છે અને અવાર -નવાર રોગચાળો ફાટી નીકળે છે. જે પ્રકારે   નવી ગટર લાઈનમાં  જોડાણનું આયોજન કરાયું છે જે લાઈન   બ્લોક થવાની સંભાવના  રહેલી છે અને આ વસાહતના આખા વિસ્તારની ગટર લાઈન ચોક થઈ જશે. ગટરનું પાણી  પેયજળની લાઈનમાં મળી જવાથી ગટર મિશ્રિત પાણી  આવવાનું જોખમ  પણ રહેલું છે. કોરોના કાળમાં  પાલિકાનો ભૂલ ભરેલો નિર્ણય  અત્રેના સ્થાનિક લોકો  માટે ગંભીર પ્રશ્ન ઉભો કરશે. આ મુદે કોઈ  નિર્ણય લેતાં પહેલા સ્થાનિક લોકોનો અભિપ્રાય લેવાની રજૂઆત સ્થાનિકોએ પાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer