મહામંદીમાં વેરા વસૂલાત માટે ભુજ નગરપાલિકા માનવતા દાખવે

ભુજ, તા. 17 : નગરપાલિકાની વેરા વસૂલાત ઝુંબેશમાં તાત્કાલિક રકમ ચૂકવવા આગ્રહ ન કરવા, `સીલ' તો ન જ કરવા તેમજ ઢોલ નગારા વગાડવાની પ્રથા બંધ કરવાની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશને (ભુજ)   જિલ્લા કલેકટર કક્ષાએ રજૂઆત કરી છે.પ્રમુખ અનિલ ગોર અને મંત્રી જગદીશ પી. ઝવેરીએ પત્ર દ્વારા રજૂઆત કરી હતી કે, કોરોનાકાળમાં વેપારીઓ માટે આર્થિક મહામંદી છે, ધંધા રોજગાર બંધ છે તેવા સમયે સુધરાઈ ઢોલ નગારાં વગાડી વેપારીઓની ઈજ્જતનો ખ્યાલ રાખ્યા વિના વેરા વસૂલાતની કડક ઉઘરાણી કરાય છે અને `સીલ' કરવા સુધીની કાર્યવાહી થાય છે.એક તરફ સરકારે પણ લોનના હપ્તા માટે બાર મહિનાની મુકિત આપી છે ત્યારે સુધરાઈએ તાત્કાલિક ઉઘરાણીના  બદલે સરળ હપ્તાથી ચૂકવી શકે તેવી વ્યવસ્થા ગોઠવાવી જોઈએ. તેમણે એવું સૂચન કર્યું હતું કે, ખરેખર  તાત્કાલિક રકમ ચૂકવવા આગ્રહ ન કરવો જોઈએ, `સીલ' કરવાની કાર્યવાહી ન થવી જોઈએ.  ઢોલ-નગારાં વગાડીને ઉઘરાણા ન કરવા જોઈએ. ઉપરાંત પી.જી.વી.સી.એલ.એ પણ માનવીય અભિગમ દાખવવો જોઈએ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer