ખેતી અને પશુપાલનના વિકાસનાં ક્ષેત્રમાં પરિવારલક્ષી અભિગમ માટે `સમૃદ્ધિ'' શરૂ

ખેતી અને પશુપાલનના વિકાસનાં ક્ષેત્રમાં પરિવારલક્ષી અભિગમ માટે `સમૃદ્ધિ'' શરૂ
મુંદરા, તા. 30 :કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ અને ટાટા પાવર કમ્યુનિટી ડેવલપમેન્ટ ટ્રસ્ટના સહયોગથી તાલુકાના ટુન્ડા વાંઢ સ્થિત પાવર પ્લાન્ટની આસપાસના ગામોમાં સંકલિત ખેતી અને પશુપાલન વિકાસ કાર્યક્રમ `સમૃદ્ધિ' શરૂ કરવામાં આવ્યો છે, જેનું અમલીકરણ કચ્છ ફોડર, ફ્રુટ એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ઘાસચારા સુરક્ષા, રસાયણ મુક્ત ખેતી, ગૌચર વિકાસ, વૃક્ષારોપણ, કીચન ગાર્ડન, પશુ આરોગ્ય પ્રવૃત્તિનાં ગામલોકો સાથે મળીને અમલીકરણ, નિદર્શન અને તાલીમ આપવામાં આવે છે. ગૌચર ભૂમિ વિકાસ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ તબક્કે નાની ખાખર ગામની દસ એકર જમીનને તૈયાર કરી, ફેન્સીંગથી સુરક્ષિત કરી સારામાં સારી ગુણવત્તાના જુવારના બિયારણનું સફળ વાવેતર છેલ્લા બે વર્ષથી કરવામાં આવે છે. ગત વર્ષે વીસ મેટ્રિક ટન કડબનું ઉત્પાદન થયું જે નાની ખાખર ગૌસેવા સમિતિને સુપરત કરવામાં આવ્યું. ઓછામાં ઓછી લાગત સાથે ઘરઆંગણે પૌષ્ટિક અને મબલખ ઉત્પાદનથી ખેડૂતોનો વિશ્વાસ વધ્યો છે. લીલાચારાનો પુરવઠો જાળવી રાખવા 500 ખેડૂતોને મલ્ટિકટ જુવાર, નેપીયર બાજરો, મકાઈ, રંજકાના અને સૂકાચારા માટે ગુવાર, બાજરો, જુવારના લેબોરેટરી ટેસ્ટેડ બીજ રાહતદરે પૂરાં પાડવામાં આવ્યાં છે. નબળી જમીનની ગુણવત્તા સુધારવા માટે રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે છે. 140 ખેડૂતો સાથે તેમના જ ખેતરવાડીમાં બાયો ઈન્પુટ, બાયો પેસ્ટીસાઈડ તથા જૈવિક નિયંત્રણ સાધનો સાથે નિદર્શન કરવામાં આવ્યું છે. ખેડૂત કાયમ પરાધીન અને શોષિત ન રહેતાં સમૃદ્ધ બને એ માટે આત્મનિર્ભર કાર્યક્રમ અંતર્ગત લીમડાના તેલ આધારિત કીટનાશક, સૂક્ષ્મ બેક્ટેરિયાના સમૂહથી ખાતર, વર્મી કમ્પોસ્ટ, એન્રીચ રોક ફોસ્ફેટ વગેરે જાતે બનાવી ઉપયોગમાં લેવાનું પ્રેક્ટિકલ માર્ગદર્શન પણ આપવામાં આવે છે. દૂધાળાં પશુઓના આરોગ્ય માટે રસીકરણ, કૃમિનાશક દવા તથા ગર્ભપાત રોગ નિયંત્રણ માટે બ્રુસેલોસિસ સારવાર પણ પશુ ચિકિત્સકની જાત દેખરેખ હેઠળ આપવામાં આવે છે, જેનો લાભ 400થી વધુ પશુપાલકો લઈ રહ્યા છે. પશુ તંદુરસ્તીથી દૂધ ઉત્પાદન પણ વધ્યું છે. તાજેતરમાં મૂશળધાર વરસાદના પગલે ઘેટાં-બકરાંઓમાં રોગચાળો ફેલાતો અટકાવવાના તાત્કાલિક પગલાંરૂપે નાના પશુપાલકો અને પંચાયતોનું સંકલન સાધી 4000થી વધુ ઘેટાં-બકરાંઓને કૃમિનાશક દવા તથા ખરીમાં થયેલી જીવાત દૂર કરવાની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું હતું. ગામડામાં ઘરઆંગણે તાજાં શાકભાજી મળી રહે એ માટે 230 ગૃહિણીઓને શ્રેષ્ઠ બિયારણ તથા જૈવિક ખાતરની કીટ માર્ગદર્શન સાથે પૂરી પાડવામાં આવી છે. સફળ પરિણામોથી પ્રેરિત અમુક મહિલાઓ વધારાનાં શાકભાજીનો વેપાર સુદ્ધાં કરવા વિચારે છે. ખેતીની જમીન અને પાણીની ચકાસણી સ્થાનિકે જ થઈ શકે એ માટે ટૂંક સમયમાં અદ્યતન લેબોરેટરી તથા પશુઓને વ્યાજબીદરે સમયસર સારવાર મળી રહે એ માટે પશુ આરોગ્ય કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે. સમયોચિત માહિતી અને માર્ગદર્શન અને અરસપરસના અનુભવના આદાન-પ્રદાન માટે દર બે મહિને ખેડૂત મિત્ર પત્રિકા' પણ પ્રકાશિત કરવાનું વિચારાધીન છે તેવું જણાવાયું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer