2023 સુધી દેશની તમામ રેલવે લાઈનનું વિદ્યુતીકરણ

2023 સુધી દેશની તમામ રેલવે લાઈનનું વિદ્યુતીકરણ
ઉદય અંતાણી દ્વારા
ગાંધીધામ, તા. 30 : રેલવે  આગામી વર્ષ 2023 સુધી 100 ટકા વિદ્યુતીકરણની દિશામાં આગળ ધપી રહ્યું છે ત્યારે માલપરિવહનમાં દેશના તમામ ઝોનમાં અગ્રેસર રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા ગાંધીધામ સબડિવિઝનમાં પણ વિદ્યુતીકરણના કામમાં ગતિશીલતા લાવવામાં આવશે. વિદ્યુતીકરણની કામગીરી વચ્ચે ગાંધીધામમાં વિદેશી મૂડી રોકાણ અંતર્ગત બનતા ડીઝલ લોકો શેડને પણ ઈલેકટ્રીક શેડમાં પરિવર્તિત કરાશે તેવું કચ્છની બે દિવસીય મુલાકાતનો ગાંધીધામથી આરંભ  કરનારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર  આલોક કંસલે જણાવ્યું હતું.ગાંધીધામ ખાતે  નિરીક્ષણ માટે અને સ્વચ્છતા પખવાડિયા સમાપન સમારોહમાં ભાગ લીધા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જનરલ મેનેજરે જણાવ્યું હતું કે બે દિવસની મુલાકાત દરમ્યાન આ ક્ષેત્રમાં ચાલતા વિવિધ  રેલવેના કામોની સમિક્ષા કરાશે.વિદ્યુતીકરણ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ટ્રેકના ઈલેકટ્રીફિકેશનનું કામ રેલવેમાં ઘણા વર્ષોથી ચાલે છે પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી કામમાં ગતિશીલતા વધી છે. વિદ્યુતીકરણથી દેશમાં ડીઝલની ખપત વધશે અને રેલવેનું માલ પરિવહન વધુ ઝડપી બનશે. વર્ષ 2023 સુધીમાં 100 ટકા વિદ્યુતીકરણ થઈ જશે તે રેલવેનો પ્રયાસ નહીં પરંતુ વિશ્વાસ હોવાનું તેમણે જણાવ્યું હતું. વિદ્યુતીકરણ બાદ ગાંધીધામમાં બનતા જનરલ મોટર્સના ડીઝલ શેડની કામગીરી અંગે પૂછતાં  તેમણે જણાવ્યું હતું કે ડીઝલ શેડનૃં નિર્માણ અલગ બાબત છે. ઈલેકટ્રીફિકેશન બાદ તમામ ડીઝલ શેડ ઈલેકટ્રીકમાં પરિવર્તિત થશે અને તે અંગેની પ્રક્રિયા શરૂ પણ થઈ ગઈ હોવાનું ઉમેર્યું હતું. ડબલિંગ ટ્રક પરિયોજના અંગે તેમણે કહ્યું  હતું કે જે જે લાઈન ઉપર રેલવેનું માલ પરિવહન અને પ્રવાસી  ટ્રેનોની આવક વધુ છે ત્યા ડબલિંગ  ટ્રેકનું કાર્ય આદરાઈ રહ્યું છે. રેલવે મંત્રાલય દ્વારા ડબલિંગ ટ્રેકના 14 પ્રોજેકટો આદરાયા છે તેમાંથી ત્રણ પ્રકલ્પ અમદાવાદ ડિવિઝનના હોવાની માહિતી આપી હતી.  ડબલિંગ ટેકમાં માલ પરિવહનની સાથે પ્રવાસી ટ્રેનોની સંખ્યા વધારવાનો પ્રયાસ કરાશે તેવું ઉમેર્યું હતું. વૈશ્વિક મહામારી કોરોના સામે વિજય મેળવશું  ત્યારે  નજીકના જ દિવસોમાં તમામ પ્રવાસી ટ્રેનો રાબેતા મુજબ દોડતી થશે તેવો આશાવાદ વ્યકત કરી તાજેતરમાં જ કચ્છને મહારાષ્ટ્ર વચ્ચે સાંકળતી ભુજ દાદર  ટ્રેન (દૈનિક) શરૂ કરાઈ છે તે રેલવે વ્યવહારને પૂર્વવત કરવાની દિશાનો એક પ્રયાસ હોવાનું ઉમેર્યું હતું. કચ્છની ટ્રેનોમાં અત્યાધુનિક એલ.એચ.બી કોચ લાગતા ન  હોવા સંદર્ભે તેમણે કહ્યું હતું કે રેલવેનો નિયમ છે કે 20 વર્ષના આયુષ્ય બાદ આઈસીએફ કોચને કંડમ કરી દેવામાં આવે છે. જો કે હાલ આઈ.સી.એફ કોચનું ઉત્પાદન જ બંધ કરી દેવાયું. જયાં એલ.એચ.બી. કોચ તૈયાર થાય છે તે કપુરથલ્લા અને  અને રાયબરેલીની કોચ ફેકટરીમાં કોરોના મહામારી  દરમ્યાન પણ લક્ષ્યાંક કરતાં પણ વધુ કોચનું ઉત્પાદન થયું હોવાનું જણાવી જેમ જેમ કોચ તૈયાર થતા જશે તેમ કચ્છની ટ્રેનો પણ અત્યાધુનિક કોચ સાથે દોડાવવામાં આવશે તેવું  તેમણે જણાવ્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer