ગાંધીધામમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ફોગિંગ હાથ ધરાયું

ગાંધીધામમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ફોગિંગ હાથ ધરાયું
ગાંધીધામ, તા. 30 : અહીંની સુધરાઈ પાયાની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ હોવાની અનેક રાવ વચ્ચે સામાજિક સંસ્થાઓએ લોકોના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખી ફોગિંગની કામગીરી હાથ ધરી હતી. ગાંધીધામમાં પ્રાથમિક સુવિધા મુદ્દે સતત રજૂઆતો કરી રહ્યા છે, તેમ છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સત્તાધીશો રજૂઆતોને ઘોળીને પી જતા હોય છે. લોકોનાં કામ પ્રત્યેની અનદેખીને કારણે લોકોએ સ્વયં બળે પ્રશ્નોનું સમાધાન કરવાની દિશામાં પગલું લીધું છે. ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં લોકોએ સ્વખર્ચે અનેક કામો પૂર્ણ કર્યા બાદ ગટર તેમજ વરસાદી પાણી ભરાઈ ગયાં છે. મચ્છર ઉપદ્રવને ધ્યાને રાખીને  માનવતા ગ્રુપ, એન.કે.ટી. ટ્રસ્ટ (થાણા), એમ.આઈ.એમ.સી. (લેહ-લદ્દાખ), ગુરુકુળ યૂથ ક્લબની આર્થિક સહાયથી ફોગિંગની કામગીરી કરાઈ હતી. જેનાથી લોકોને મચ્છરથી રાહત મળશે. આ કામગીરીમાં માનવતા ગ્રુપના ગોવિંદ દનિચા, ગુરુકુળ યૂથ ક્લબના પ્રકાશભાઈ ઠક્કર, જે.જે. ઠકકર, વિપુલભાઈ મહેતા, મુરજીભાઈ ગઢવી, દિનેશભાઈ શર્મા, ભરતભાઈ મનોભાઈ પટેલ વગેરે જોડાયા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer