નિર્મલ સંઘવીની સ્મૃતિમાં રાષ્ટ્રીય સંગીત સ્પર્ધા યોજાશે

નિર્મલ સંઘવીની સ્મૃતિમાં રાષ્ટ્રીય સંગીત સ્પર્ધા યોજાશે
માંડવી, તા. 30 : કચ્છ સહિત ભારતભરના નવોદિતોને સ્વર, લય, તાલની સાચી ઓળખ અને માર્ગદર્શન આપનાર, માંડવીના સુપ્રસિદ્ધ સંગીતકાર અને મેન્ડોલિન-સિતારના માહિર સ્વર ઉપાસક નિર્મલ સંઘવી સદેહે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, તેમનો ખાલીપો પૂરવા સાથી-મિત્રો, સ્નેહીઓ, પ્રેમીઓ, વિદ્યાર્થીઓ વગેરે દ્વારા `િનર્મલ સ્વર'ને અવિરત ગુંજતો રાખવા સહિયારા પ્રયાસોથી તેની સ્મૃતિમાં `િનર્મલ ધ્વનિ' સંસ્થાનો આરંભ કરશે. કચ્છ અને સમગ્ર ભારતભરના નવોદિતો, સંગીતરસિકોને, સ્વર સાધકોને સમય સમયે અલગ અલગ માધ્યમો થકી, અવનવા અવસરો દ્વારા યોગ્ય તક આપી, મંચ આપી, પ્રતિભાઓને નિખારવા, પ્રોત્સાહિત કરવા અને તેમને સંગીત સફરમાં આગળ વધારવા શકયતમ પ્રયાસો કરવામાં આવશે. હાલમાં ફેસબુક પેજ @nirmaldhwani ના માધ્યમથી શરૂઆત કરાઇ છે, જે દ્વારા હાલમાં તમામ ગતિવિધિઓ જાણી શકાશે ત્યારબાદ યુ-ટયૂબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પગરણ મંડાશે. `િનર્મલ ધ્વનિ' સંસ્થા નિર્મલની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે ઓગસ્ટ મહિનાની તા. 23 અને 24ના બે દિવસીય સંગીતમય કાર્યક્રમો યોજશે. સાથો સાથ વર્ષ દરમિયાન ગાયન-વાદન ક્ષેત્રે વિવિધ સ્પર્ધાઓ પણ યોજશે. નવોદિતોને યોગ્ય અને સાચું માર્ગદર્શન મળી રહે તે માટે પણ વિવિધ સંગીતજ્ઞો, તજજ્ઞો, નિષ્ણાતોની બેઠકો, શિબિરો વગેરેનું આયોજન પણ હાથ ધરાશે. આ સંસ્થાના આરંભ પ્રસંગે આગામી 24 ઓકટોબર, 2020 શનિવારના `મેન્ડોલિન અને સિતાર શાત્રીય વાદન'ની નિ:શુલ્ક રાષ્ટ્રીયસ્તરની ઓનલાઇન સંગીત સ્પર્ધા બે જૂથમાં યોજાશે (1) 16 વર્ષથી નીચેની ઉમરની અને 17થી 35 વર્ષની વ્યક્તિઓ માટે. ભાગ લેવા માટે એક ફોર્મ ભરી મોકલવાનું રહેશે તથા ઓડિશન રાઉન્ડ પાસ કરવાનો રહેશે, જેમાં કોઇપણ એક રાગની બંદિશ વગાડી પ્રથમ વીડિઓ 2 મિનિટનો મોકલવાનો રહેશે. ત્યારબાદ પસંદગી પામેલા સ્પર્ધકોને 8 મિનિટનો બીજો વીડિઓ મોકલવા માટે નિમંત્રિત કરાશે. સ્પર્ધાને અંતે વિષયને અનુરૂપ તમામ પાસાઓને ચકાસી, નિર્ણાયકો દ્વારા વિજેતાઓને ઘોષિત કરવામાં આવશે અને તેમને ઇનામો, શિલ્ડ અને પ્રમાણપત્રો મોકલવામાં આવશે. પ્રથમ ઓડિશન વીડિઓ મોકલવાની છેલ્લી તા. 10 ઓકટોબર, 2020 રહેશે. વીડિઓ કિલપ વોટ્સએપ નંબર : 98792 05873 પર મોકલવા, કૌશલ છાયા, વિપુલ મહેતા, રાજેશ પઢારિયા અને મહેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer