જાણીતા પુરાતત્ત્વવિદ્ને પુરાતત્ત્વ મહારત્ન એવોર્ડ એનાયત કરાયો

જાણીતા પુરાતત્ત્વવિદ્ને પુરાતત્ત્વ મહારત્ન એવોર્ડ એનાયત કરાયો
રાજકોટ, તા. 30 :પ્રાગ ઐતિહાસિક અને આધુનિક સમયના ભારતના 200 ઉપરાંત પ્રાચીન સંસ્કૃતિનાં સ્થળો શોધનારા રાજ્યના પૂર્વ પુરાતત્ત્વવિદ વડા પી. પી. પંડયાને એસ.જી.વી.પી. ગુરુકુળના શાત્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે તેમના શતાબ્દી વર્ષે પુરાતત્ત્વ મહારત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ઊના પાસે મચ્છુન્દ્રીના કિનારે, દ્રોણેશ્વર મહાદેવ તથા હનુમાનજી મહારાજના સાંનિધ્યમાં પવિત્ર પુરુષોત્તમ માસમાં ચાલી રહેલી ઓનલાઇન કથા પ્રસંગે એકાદશીના પાવનકારી દિવસે આ એવોર્ડ અર્પણ થયો ત્યારે ઓનલાઇન કથા શ્રવણ કરતા દેશ-વિદેશના સેંકડો ભક્તોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યો હતો. એવોર્ડનો સ્વીકાર શ્રી પંડયાના પુત્ર પીયૂષભાઇ પંડયાએ કર્યો હતો.સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, પી. પી. પંડયાએ પોતાની કારકિર્દીના આરંભના દશ વર્ષના ટૂંકાગાળામાં બે હજાર કિ.મી. પગપાળા યાત્રા કરી હતી અને મધ્યકાલીન પાષાણ યુગના પાંચ સ્થળો, લઘુપાષાણ ઓજારો બનાવતા માનવના પાંચ સ્થળો, હડપ્પન સંસ્કૃતિના 65 ટીંબાઓ, 1500 વર્ષ પૂર્વે પ્રાચીન ક્ષત્રપકાલીન 110 વસાહતો, મૈત્રક કાલીન મંદિરો, પ્રભાસપાટણની 1800 વર્ષની સંસ્કૃતિનો ઇતિહાસ, રાજકોટ જિલ્લાના રોજડી (શ્રીનાથગઢ) ખાતે ઉત્ખલન કરી હડપ્પા સમયનું 4500 વર્ષનું પ્રાચીન કિલ્લેબંધ નગર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખંભાલિડા ખાતે આવેલી પ્રાચીન બૌદ્ધ ગુફા વગેરે શોધ્યાં હતાં.આજના સમયે ન કેવળ ભૂમિખનન, પરંતુ આકાશમાં રહેલાં નક્ષત્રોને આધારે સંશોધન કરીને ભારતીય મહાપુરુષો વિશે કાલ નિર્ધારણ કરવું અત્યંત આવશ્યક છે.પી. પી. પંડયાના દ્વિશતાબ્દી વર્ષે પુરાતત્ત્વ મહારત્ન એવોર્ડ અર્પણ કરતી વખતે એસ.જી.વી.પી. ગુરુકુળ તરફથી પુષ્પાંજલિરૂપે પંડયાની સ્મૃતિમાં રચાયેલાં જયાબેન ફાઉન્ડેશનને રૂા. 25 હજાર અર્પણ કરવામાં આવ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer