રેલવે કર્મી વર્ષમાં 100 કલાક શ્રમદાન કરે

રેલવે કર્મી વર્ષમાં 100 કલાક શ્રમદાન કરે
ગાંધીધામ, તા. 30 : સ્વચ્છતા સ્વસ્થ આરોગ્યની જનની છે. સ્વચ્છતાથી જ વૈશ્વિક મહામારીકોરોનાથી રક્ષણ મેળવી શકાશે. રેલવેના પ્રત્યેક કર્મચારી સ્વચ્છતા અભિયાનમાં નિરંતર સક્રિય રહે તેવું ગાંધીધામ રેલવે સ્ટેશનના નિરીક્ષણ માટે આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે સ્વચ્છતા પખવાડિયાનું સમાપન કરતાં જણાવ્યું હતું. તેમણે રેલવે સ્ટેશનને સ્વચ્છતા માટે પારિતોષિક જાહેર કર્યું હતું. આ વેળાએ કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા રેલવે કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. સ્વચ્છતા પખવાડિયાના સમાપન સમારોહમાં બોલતાં જનરલ મેનેજર શ્રી કંસલે જણાવ્યું હતું કે વર્ષ 2014થી શરૂ થયેલાં આ અભિયાનને સફળ બનાવવા આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. રેલવે કર્મચારીઓ વર્ષના 100 કલાક શ્રમદાન કરે તેવી અપીલ તેમણે કરી હતી. સ્વચ્છતા પખવાડિયું તો આપણે આજે પૂર્ણ કરશું પરંતુ  આ અભિયાન પ્રત્યેક દિવસ, સપ્તાહ અને મહિનાઓ સુધી સતત જારી રહે તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી. તેમણે  ગાંધીધામ રેલવે  સ્ટેશન પરિસરમાં કચ્છની સંસ્કૃતિને  રજૂ કરતી કલાકૃતિઓને બિરદાવી હતી. આ કલાકૃતિઓથી સ્ટેશનમાં આવતા પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિથી પરિચિત થશે તેવું જણાવી સ્ટેશન પરિસરમાં રાખવામાં આવતી સ્વચ્છતાનાં કાર્યને બિરદાવ્યું હતું. તેમણે ગાંધીધામ રેલવે સ્ટેશનને 20 હજારનો રોકડ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરી હતી.  ટૂંકા ગાળામાં યોજાયેલી બાળકોની ચિત્ર હરીફાઈમાં ભાગ લેનારાં 36 બાળકોને પણ જનરલ મેનેજરે બિરદાવ્યાં હતાં. આ વેળાએ અભિયાનમાં સારી કામગીરી કરનારી સંસ્થા મારવાડી યુવા મંચના પ્રમુખ શૈલેન્દ્ર જૈન, જીતેન્દ્ર સેઠિયાનું  જનરલ મેનેજરના હસ્તે સન્માન કરાયું હતું. આ ઉપરાંત કોરોના મહામારીમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનારા સ્ટેશન મેનેજર સત્યેન્દ્ર યાદવ, કોમર્શિયલ ઈન્સ્પેકટર વિવેક મિશ્રા, આરોગ્ય નિરીક્ષક દિનેશ મિના, અશોકને જીએમના હસ્તે પુરસ્કાર એનાયત કરાયો હતો.  આ ઉપરાંત  રેલવે કર્મચારીઓનાં બાળકો માટે સ્વચ્છતા અભિયાન અંગે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોના વિભાગમાં અર્પિત અખિલેશ્વર મિશ્રા પ્રથમ, સર્વજ્ઞ અમરકાંત દ્વિતીય, અગત્સ્ય જિતેન્દ્ર રાવત ત્રીજા ક્રમે વિજેતા બન્યા હતા. જયારે રઘુવીર પ્રવીણકુમાર સિંહ અને શિવમ રાજેશકુમારને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યાં હતાં. જયારે ગર્લ્સમાં બિપાંસુ પ્રભાકર કહલસિંહે પ્રથમ, અનન્યા મનોજકુમારે દ્વિતીય અને ભૂમિકા કિશોરસિંહ ચૌહાને ત્રીજો ક્રમ મેળવ્યો હતો. જયારે અમૃતા અખિલેશ્વર મિશ્રા અને જેના સંજીતકુમાર સિંહે પ્રોત્સાહક ઈનામ મેળવ્યું હતું.  તમામ વિજેતા બાળકોને  પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષ તનુજા કંસલના અને અમદાવાદ ડિવિઝન મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષ પ્રીતિ ઝાના હસ્તે ઈનામ અપાયાં હતાં.  જનરલ મેનેજરે આરંભમાં પ્લેટફોર્મ નંબર 1 ઉપર બનાવવામાં આવેલી ચિત્ર કૃતિઓનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં સ્ટેશન પરિસરની વિવિધ સુવિધાઓની  જાતમાહિતી મેળવી હતી.  સ્ટેશનના પ્રવેશદ્વાર ખાતે ચોકલેટ અને કુરકુરેના 40 કિલોપ્લાસ્ટિકમાં બનાવાયેલી બે બેન્ચનું પણ નિરીક્ષણ કરી તેના ઉત્પાદન અંગે માહિતી મેળવી હતી. ગાંધીધામથી નિરીક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ નિરીક્ષણ યાનમાં મુન્દ્રા જવા રવાના થયા હતા. આમ તો જનરલ મેનજર સાથે મોટો કાફલો આવતો હોય છે પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માત્ર ગણતરીના લોકો જ જીએમ સાથે આવ્યા હતા. આ વેળાએ અમદાવાદના ડી.આર.એમ. દીપકકુમાર ઝા, ગાંધીધામના એ.આર.એમ. આદિશ પઠાનિયા, એન્વાયર્મેન્ટ હાઉસકીપિંગ મેનેજમેન્ટના સિનિયર ડી.ઈ.એન. ફેડ્રીક પેરીયથ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer