રાપરના ધારાસભ્યની ખેડૂત અને રાહદારીઓની સમસ્યાની ઉગ્ર રજૂઆત

રાપરના ધારાસભ્યની ખેડૂત અને રાહદારીઓની સમસ્યાની ઉગ્ર રજૂઆત
રાપર, તા. 30 : વાગડ વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોનો પાક સંપૂર્ણ પણે નુકસાનગ્રસ્ત થતાં સો ટકા વળતર આપવા, દરેક ગામડાઓને સરખી સહાય વળતર ચૂકવવા તેમજ ભારે વરસાદના કારણે તૂટી ગયેલા રસ્તાના તાત્કાલિક સમારકામ કરવા રાપર ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી તથા કચ્છ કલેકટરને રાપર મામલતદાર મારફત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ભારે વરસાદના પગલે રાપર વિધાનસભા વિસ્તાર હેઠળના રાપર અને ભચાઉ તાલુકામાં ખેડૂતોને વધારે નુકસાની થઈ છે. હાલના સમયમાં ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે. દિન-પ્રતિદિન ખેડૂત વધુને વધુ પાયમાલ બનતો જાય છે.   આ અંગે દરેક ખેડૂતને ન્યાય અર્થે સહાય ચૂકવવામાં આવે. રાપર વિધાનસભા વિસ્તાર હેઠળના ગામડાઓને જોડતા ઘણા માર્ગો વરસાદના કારણે ધોવાયેલા છે. જેથી લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકા મથકને તથા ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગોની તટસ્થ ચકાસણી કરી સત્વરે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માગણી કરી હતી. તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગની હાલત ખૂબ જ ખરાબ છે. આ માર્ગ પર મોટા-મોટા અકસ્માતો સર્જાય છે. તેમજ મોટી-મોટી જાનહાનિ થાય છે. માટે આ અંગે પણ તાત્કાલિક ધોરણે  સમારકામ હાથ ધરી રાહદારીઓને પડતી મુશ્કેલીઓને  સત્વરે નિરાકરણ કરવા ધારાસભ્ય સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા રાપર તાલુકા/શહેર કોંગ્રેસના હોદ્દેદારો તથા આગેવાનો તથા ખેડૂતો હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer