મુંબઇ અને પંજાબ પાછલી હારને ભૂલીને નવા જુસ્સા સાથે મેદાને પડશે

અબુધાબી, તા.30: પાછલા મેચમાં શાનદાર પ્રદર્શન છતાં હાર સહન કરનાર મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ ગુરૂવારે અહીં રમાનાર આઇપીએલના મેચમાં વાપસી કરવાના મક્કમ ઇરાદા સાથે મેદાને પડશે. પંજાબની ટીમ તેના પાછલા મેચમાં રાજસ્થાન સામે 224 રનના સ્કોરનો બચાવ કરી શકી ન હતી. જ્યારે મુંબઇની ટીમ તેના પાછલા મેચમાં કીરોન પોલાર્ડ અને ઇશાન કિશનની આતશી ઇનિંગથી બેંગ્લોર વિરૂધ્ધ 202 રનના લક્ષ્યાંક સુધી પહોંચી હતી, પણ જીત એક રને દૂર રહી હતી. આથી મેચ ટાઇ થયો હતો અને સુપરઓવરમાં હાર સહન કરવી પડી હતી. વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સે તેનો પહેલો મેચ સીએસકે સામે ગુમાવ્યો હતો. જ્યારે બીજા મેચમાં કેકેઆરને હરાવીને વાપસી કરી હતી. ત્રીજા મેચમાં આરસીબી સામેની નાની નાની ભૂલો તેને આખરે ભારે પડી હતી. કંઇક આવી જ સ્થિતિ કિંગ્સ ઇલેવન પંજાબની છે. તેણે પહેલો મેચ દિલ્હી સામે ગુમાવ્યા બાદ આરસીબી સામે પોઇન્ટનું ખાતું ખોલાવ્યું હતું. આ પછી રાજસ્થાન રોયલ્સ સામે બેટિંગમાં તો શાનદાર દેખાવ કર્યોં, પણ ડેથ ઓવરમાં તેવતિયાની આતશી બેટિંગથી મેચ ગુમાવવો પડયો હતો. પંજાબને ટીમે બન્ને મેચ સારી સ્થિતિમાં પહોંચ્યા બાદ ગુમાવ્યા છે. આ ભૂલોમાંથી બોધપાઠ લઈને પંજાબની ટીમ મજબૂત મુંબઇ સામે જીતના ઇરાદે મેદાને પડશે. પંજાબના બોલરોએ પાછલા મેચના ખરાબ દેખાવને ભૂલી ફરી ફોર્મ હાંસલ કરવું પડશે. કેરેબિયન બોલર કાર્ટરેલને તેવતિયાને ફટકારેલા એક ઓવરમાં પ છક્કાની કળ હજુ વળી નહીં હોય. ફોર્મમાં ચાલી રહેલ શમીએ પણ 4 ઓવરમાં પ3 રનનો ખર્ચ કર્યોં હતો. આ ટીમની સૌથી સારી નિશાની તેના બન્ને ઓપનર સુકાની રાહુલ અને મયંકનુ અફલાતુન ફોર્મ છે.મુંબઇની ટીમ બેટિંગ-બોલિંગમાં સંતુલિત છે. કપ્તાન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, ડિ'કોક અને પોલાર્ડ સારા ફોર્મમાં છે. જો કે પંડયા બંધુનો નિસ્તેજ દેખાવ અને બુમરાહની ઇકોનોમી ટીમની મુખ્ય ચિંતા બની છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer