ટપ્પરમાંથી અપાતું પેયજળ દુર્ગંધયુક્ત !

ગાંધીધામ, તા. 30 : કચ્છની જીવાદોરી સમાન અંજાર તાલુકાના ટપ્પર ગામના ટપ્પર ડેમનું  પાણી બગડી રહ્યંy છે  તેવી ફરિયાદો સમયાંતરે સપાટી ઉપર આવી છે. આ સ્થિતિમાં વધુ એક વખત ટપ્પર ડેમમાંથી વિતરીત   પાણીમાં દુર્ગંધ આવતી હોવાની  બૂમ પડી છે. તો બીજી બાજુ  પાણીતંત્રએ `સબ સલામત હૈ'નો દાવો કર્યા હતો.વરસાદ જ જેનો ભાગ્યવિધાતા છે  તેવા  આ સૂકા મુલકમાં  પાણીની  પળોજણ  દૂર કરવા અર્થે રાજ્ય સરકાર  દ્વારા ટપ્પર ડેમને નર્મદાનાં નીરથી  ભરવા માટે વખતોવખત મંજૂરીની મહોર મરાઈ છે. હવે  આ ડેમમાંથી  કચ્છના જુદા-જુદા તાલુકામાં પાણી  પહોંચતું કરવા તખતો તૈયાર થઈ ચૂક્યો છે. આ માટે જરૂરી પ્રક્રિયા પણ આટોપાઈ ચૂકી છે. ટપ્પર ડેમનાં પાણીમાં  ખારાશનું  પ્રમાણ  વધુ   હોવાનું અનેક વખત ખુદ સરકારી બાબુઓએ સ્વીકાર્યું છે. પાણીતંત્ર  પાણીની સ્થિતિ  સુધારવા માટેનાં નક્કર આયોજનમાં નિષ્ફળ નીવડયું છે. થોડા સમય અગાઉ  ટપ્પર ડેમમાંથી વિતરીત થતાં  પાણીમાં વાસ  મારતી  હોવાની રાવ ગાંધીધામ તાલુકાના  ગ્રામ્ય વિસ્તારમાંથી ઊઠી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીધામ  શહેર  અને તાલુકાના  ગળપાદર,ખારી રોહર  સહિતના  વિસ્તારોમાં પાણી દુર્ગંધ  મારતાં હોવાની ફરિયાદ લોકોએ કરી હતી. પાણી પુરવઠા વિભાગના  જાણકાર સૂત્રોએ વિગતો આપતાં કહ્યું હતું કે, નર્મદા અને ટપ્પર ડેમનાં પાણી મિશ્રણ કરી તેનું વિતરણ કરાય છે. થોડા  દિવસો અગાઉ નર્મદાનાં પાણીમાં આંશિક કાપ મુકાતાં નર્મદાનું  પાણી બંધ થયું  હતું, જેને કારણે  આ સમસ્યા ઉદ્ભવી હોવાનું  સૂત્રોએ  ઉમેર્યું હતું. ડેમ ઉપર લાગેલાં પાણી શુદ્ધીકરણના એકમની  હાલત   ખસ્તા  બની  છે. તેમજ  હાલમાં ડેમમાં નવા જેટવેલ નાખવાની  કામગીરીનો પણ ધમધમાટ  ચાલી રહ્યો છે. જેને કારણે પાણી ડહોળું થતાં આ પ્રશ્ન ઊભો થયો હોવાનું અનુમાન જવાબદારો  વ્યકત કરી રહ્યા છે.  પાણીતંત્ર જે તે શહેર અને ગ્રામ્ય વિસ્તારોના સંબંધિતોને પાણી કલોરિનેશન કરી ઉપયોગ કરવા અનુરોધ   કર્યો હોવાની પણ જાણકારોએ  માહિતી આપી હતી.પાણી પુરવઠા વિભાગના અધિકારી શ્રી શાહનો સંપર્ક કરતાં તેમણે પાણીની સ્થિતિ સારી હોવાનું જણાવ્યું હતું. ડેમ ઉપરના  ફિલ્ટર પ્લાન્ટના અપગ્રેડેશન માટે જરૂરી પ્રક્રિયા ચાલી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. નોંધપાત્ર છે કે સમયાંતરે ટપ્પર ડેમને નર્મદાનાં પાણીથી  છલોછલ ભરી અહીંથી પાણી  વિતરણ કરાય છે. આ ડેમમાંથી  કચ્છને પાણી આપવા માટેનું આયોજન ઘડાઈ રહ્યંy છે. પરંતુ અવારનવાર  ડેમનું પાણી ખરાબ હોવાની બૂમ પડી છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં  આ ડેમ મારફતે કચ્છને  ગુણવત્તાયુક્ત પાણી કેવી રીતે આપી શકશે તેવો  પ્રશ્ન   જાગૃત નાગરિકોએ ઉઠાવ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer