કોરોના સંક્રમિતેયે પોસ્ટલ મતદાન કરી શકશે

ભુજ, તા. 30 : ત્રણ તાલુકા સમાવતા અને ગુજરાત રાજ્યના સૌથી મોટા અબડાસા મતવિસ્તારમાંથી પોતાનો પ્રતિનિધિ વિધાનસભામાં મોકલવા માટે ત્રીજી નવેમ્બરના દિવસે અબડાસાના સવા બે લાખથી વધુ મતદારો માસ્ક પહેરીને મતદાન કરશે. આ પેટાચૂંટણીમાં કોરોના સંક્રમિતોને ટપાલ મતપત્ર (પોસ્ટલ)થી મતાધિકારના પ્રયોગની સુવિધા અપાશે. કુલ્લ 431 મતદાન મથકો પર પ્રવેશદ્વારે થર્મલ સ્કેનિંગ કરાશે. ઉપરાંત, સાબુ, સેનિટાઇઝર અને પાણીની સુવિધા પણ કરાશે. અબડાસા વિધાનસભા બેઠક પર 1,21,590 પુરુષ, 1,12,922 ત્રી મળીને કુલ્લ 2,34,512 મતદારો નોંધાયેલા છે, મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ પણ ચાલુ છે. ઉપરાંત 1320 દિવ્યાંગ અને 4724 મતદારો 80 વર્ષથી મોટી વયના છે, આવા મતદાતાઓનેય મતદાન પોસ્ટલ કરવાની છૂટ અપાશે. સમગ્ર જિલ્લામાં પેટાચૂંટણી માટેની આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવાઇ છે. નવમી ઓકટોબરના જાહેરનામું જારી કરાશે. ઉમેદવારી પત્રો ભરવા માટે 16 ઓકટોબર છેલ્લી તારીખ છે. ઉમેદવારી પાછી ખેંચવા માટે છેલ્લી તારીખ 19 ઓકટોબર છે. ત્રીજી નવેમ્બરનાં મતદાન થશે. ત્યારબાદ 10મી નવેમ્બરના દિવસે મતગણતરી થશે અને 12મી નવેમ્બરના પેટાચૂંટણી પ્રક્રિયા પૂરી થશે.અબડાસા બેઠક માટે કુલ્લ 376 મતદાન મથકો હતાં, પરંતુ કોરોના સંક્રમણની સ્થિતિ ધ્યાને લેતાં મતદાન મથકદીઠ મતદારોની મહત્તમ સંખ્યા એક હજારની રાખવાની સૂચના સાથે વધુ 55 હંગામી સહાયક મતદાન મથકો મંજુર કરાયાં છે. ચૂંટણીપંચ દ્વારા કુલ્લ 20 નોડલ અધિકારીની નિમણૂક કરાઇ છે. કુલ્લ 431 મથકો માટે અંદાજિત 2100 મતદાન સ્ટાફની જરૂરિયાત રહેશે. સ્ટાફની અવર-જવર માટે 92 એસ.ટી. બસો દોડાવાશે.ચૂંટણીપંચે ખાસ કોવિડ-19 માર્ગદર્શિકા જારી કરતાં જણાવ્યું  છે કે, ચૂંટણી સંબંધિત તમામ પ્રવૃત્તિઓ દરમ્યાન માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. પેટાચૂંટણી માટે છ ફલાઇંગ સ્કવોડ, ત્રણ સ્ટેટિક સર્વેલન્સ ટીમ, એક વીડિયો વ્યૂઇંગ ટીમ તેમજ ત્રણ વીડિયો સર્વેલન્સ ટીમની રચના કરાઇ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer