સુખપરમાં યુવાન પરિણીતા ઘરમાંથી લોહીથી લથપથ હાલતમાં મૃત મળતાં ઘેરો ભેદ સર્જાયો

ભુજ, તા. 30 : તાલુકાના સુખપર ગામે 35 વર્ષની વયની વિજયાબેન પ્રવીણ ભુડિયા નામની યુવાન પરિણીતા તેના ઘરના શયનખંડમાંથી ગળાના ભાગે અત્યંત ગંભીર પ્રકારની ઇજાઓ થયેલી હાલતમાં મૃત મળી આવતાં આ પ્રકરણે ઘેરો ભેદ સર્જર્યો છે. માનકૂવા પોલીસે હાલતુરત અકસ્માત મોતની પ્રાથમિક નોંધ કરીને બનાવના તાણાવાણા ઉકેલવા માટેનો વ્યાયામ હાથ ધર્યો છે. બહાર આવેલી વિગતો અનુસાર સુખપર ગામે જૂનાવાસ વિસ્તારમાં મોચીરાઇ રોડ ઉપર ફ્|લવાડી નજીક રહેતા વ્યવસાયે બાંધકામ ઠેકેદાર એવા પ્રવીણ દેવશી ભુડિયાની પત્ની એવી મરનાર હતભાગી વિજયાબેન આજે સવારે અગિયારેક વાગ્યાના સુમારે ઘરમાં શયનકક્ષમાંથી લોહીલુહાણ હાલતમાં ઊંધી પડેલી મળી હતી. આ પછી તેને હોસ્પિટલે ખસેડાઇ ત્યાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. પોલીસ સૂત્રોએ પ્રાથમિક વિગતો આપતાં જણાવ્યું હતું કે મરનાર વિજયાબેનનો પતિ દેવશી ભુડિયા આજે સવારે તેના કામની સાઇટ ખાતે ગયેલો હતો. તો પુત્ર નોકરીએ અને પુત્રી ટયુશન ગઇ હતી. આ દરમ્યાન પરિવારના અન્ય સભ્યો દેવશીભાઇના માતા અને બહેન વગેરે ઘરે હાજર હતા તેવા સમયે જ આ ભેદી ઘટના બની ગઇ હતી. માનકૂવા પોલીસની પ્રાથમિક છાનબીનમાં સપાટીએ આવેલી વિગતો અનુસાર પુત્રી અર્પિતા ઘરે આવી ત્યારે તેણે તેની માતાને લોહીલુહાણ પડેલી જોઇ હતી. આ પછી તેણે પોતાના પિતાને મોબાઇલ ફોન કરીને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા. આ પછી પોલીસને પણ વાકેફ કરાતાં તપાસનો ધમધમાટ આરંભાયો હતો. ઘેરો ભેદ સર્જનાર આ કિસ્સો આત્મહત્યા છે કે હત્યા તેના તાણાવાણા ઉકેલવા માટે માનકૂવા પોલીસે સર્વગ્રાહી છાનબીન હાથ ધરી છે. જે અંતર્ગત પરિવારના સભ્યોની પૂછતાછ સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે. બનાવના સ્થળ શયનખંડ ખાતેથી કોઇ હથિયાર પણ તપાસમાં હજુ હાથ ન લાગવાથી સમગ્ર કિસ્સો વધુ પેચીદો બન્યો છે. હાલતુરત અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer