અંજારના યુવાનને શેરબજારના નામે દોઢ લાખનો ચૂનો ચોપડયો

ગાંધીધામ,તા.30 :અંજાર શહેરમાં રહેનારા એક યુવાનને શેર બજાર અંગે માહિતી આપવાનું કહી ત્રણ શખ્સોએ તેને ઠગી લઈ તેની પાસેથી રૂા.1,52,000 પડાવી લીધા હતા. ઠગાઈના આ બનાવમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.અંજાર શહેરના વિજયનગરમાં રહેતા તથા વેલસ્પન કંપનીમાં કામ કરતા હેમંતકુમાર ચંદેશ્વર સાહી એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાનને ગત તા.8-1-2019ના એક ફોન આવ્યો હતો અને કૃણાલ નામના આ શખ્સે હું ડિઝાયર રીસર્ચ કંપનીમાંથી બોલું છું અમે શેર બજારનો ઓનલાઈન બિઝનેશ  કરીએ છીએ અને કઈ કંપનીના શેરના ભાવ વધશે કે કઈ કંપનીના શેરના ભાવ ઘટશે તે અમે તમને જણાવશું. ત્યારે આ ફરિયાદીએ પોતાને આમાં રસ ન હોવાનું જણાવ્યું હતું પરંતુ આ આરોપીએ બીજા દિવસે પણ ફોન કર્યો હતો અને તમે આઈ.ડી.બી.આઈ. બેન્કના શેર ખરીદો તમને ફાયદો થશે તેમ કહ્યું હતું. દરમ્યાન આ યુવાને આવું કરતાં અને તેને રૂા.3000નો ફાયદો થતાં તેને આ શખ્સ ઉપર વિશ્વાસ આવ્યો હતો. બાદમાં પૂજા, મોહિત અને આ કૃણાલ નામના શખ્સોએ ફોન કરી ફરિયાદી પાસેથી રૂા.1,52,000 ઓનલાઈન મેળવી લીધા હતા અને કોઈ સેવા આપી નહોતી. આ ત્રણેય વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer