ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન દ્વારા ત્રણ ગુજરાતી નવલને પારિતોષિક

મુંબઇ, તા. 30 : ગુજરાતી સાહિત્યના સત્ત્વશીલ પુસ્તકોને અન્ય ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં અનુવાદિત કરીને પ્રકાશિત કરવાનું એક અભિયાન ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાને 2005થી આરંભ્યું છે. આ અભિયાન હેઠળ ટ્રસ્ટ દ્વારા 2018 સુધીમાં પચાસ જેટલા ગુજરાતી ગ્રંથોને પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ ગ્રંથોના લેખકો ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, જ્યોતીન્દ્ર દવે, રમણલાલ વસંતલાલ દેસાઇ, કિસનાસિંહ ચાવડા, ધૂમકેતુ, નાનાભાઈ ભટ્ટ, કાકાસાહેબ કાલેલકર જેવા વરિષ્ઠ સર્જકોથી માંડીને ભગવતીકુમાર શર્મા, દિલીપ રાણપુરા, ચુનીલાલ મડિયા ઈત્યાદિનો સમાવેશ થાય છે.   2018માં પ્રતિષ્ઠાને ગુજરાતી લેખકો માટે એક આયોજન જાહેર કર્યું હતું. 2018 અને 2019ના વરસ દરમિયાન જે ગુજરાતી પુસ્તકો લેખક દ્વારા અન્ય ભારતીય ભાષામાં જે-તે ભાષાના પ્રકાશક દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હોય એ પૈકી બંન્ને વરસના અલગ-અલગ નોંધપાત્ર પુસ્તકને રૂા. 21000નું પારિતોષિક આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. આ અંગે 2018 અને 2019ના વરસમાં યથોચિત જાહેરાત પણ કરવામાં આવી હતી. તદઅનુસાર આ જાહેરાતના પ્રતિભાવ તરીકે 13 પુસ્તકો ટ્રસ્ટને મળ્યા હતા. આ 13 પૈકી નીચેના બે પુસ્તકોને આ બંન્ને વરસ માટે પુરસ્કારપાત્ર ઠરાવવામાં આવ્યા છે.  2018 - `અતરાપિ' અને `સમુદ્રાન્તિકે'- આ બંન્ને નવલકથાઓ 2018માં હિંદી ભાષામાં એકીસાથે પ્રકાશિત થઈ છે. લેખક ધૂવ ભટ્ટ, અનુવાદક મંજરી બેલાપુરકર.2019 - `કૂવો'-લેખક અશોકપુરી ગોસ્વામી, આ નવલકથા કન્નડ ભાષામાં આ વરસ દરમિયાન પ્રકાશિત થઈ છે. અનુવાદક ડી. એન. શ્રીનાથ.ગુજરાતીમાંથી અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈને પ્રગટ થતા કોઈપણ સાહિત્ય પ્રકારના ઉત્તમ પુસ્તકને ટ્રસ્ટ દ્વારા રૂા. 21000નું પારિતોષિક આપવાનું આ આયોજન 2020ના વરસમાં પણ યથાવત રાખવામાં આવ્યું છે. ગુજરાતી લેખકોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે 1 જાન્યુઆરી 2020થી 31 ડિસેમ્બર 2020 દરમિયાન એમના જે પુસ્તકો અન્ય ભાષામાં પ્રકાશિત થયા હોય એની એક અનુવાદિત નકલ, ગુજરાતી મૂળ નકલ સાથે નીચેના સરનામે 31/03/2021 સુધીમાં મોકલવી. ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન, ગીતા નિવાસ, લક્ષ્મીનારાયણ લેન, ઓફ્ફ મથુરાદાસ રોડ, કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ -400067. આ અંગેની વિગતો વેબસાઈટ www.gujanuvadpradan.org પરથી મેળવી શકાશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer