અબડાસામાં કોવિડ કામગીરીમાં આચારસંહિતાનું ગ્રહણ નહીં નડે

ભુજ, તા. 30 : વિધાનસભા પેટા ચૂંટણી-2020 અન્વયે આદર્શ આચારસંહિતાની અમલવારી બાબતે આજરોજ કલેક્ટર કચેરી ખાતે આચારસંહિતા અમલીકરણ અધિકારી મેહુલ જોશી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિની અધ્યક્ષતા હેઠળ સમીક્ષા બેઠક યોજાઇ હતી. કચ્છ જિલ્લાના અબડાસા મતવિસ્તારની વિધાનસભા પેટા ચૂંટણી 2020 હેઠળ આ મતવિસ્તારમાં લાગુ પડતા ત્રણ તાલુકા નખત્રાણા, અબડાસા અને લખપતમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો ગઇકાલથી સંપૂર્ણ અમલ થઈ ગયો છે. સમગ્ર જિલ્લામાં રાજકીય પક્ષો અને સરકારમાં અમલી થતી બાબતો અને નિષેધ કરાતી પ્રવૃત્તિ બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. અબડાસા મતવિસ્તારમાં આદર્શ ચૂંટણી આચારસંહિતા મુજબ સરકારી કાર્યક્રમો, યોજનાઓ અને વિકાસ કામગીરી, સરકારી પ્રચાર-પ્રસાર કરી શકાશે નહીં. સમગ્ર કચ્છ જિલ્લામાં અસરકર્તા બાબતોમાં આંશિક આચારસંહિતા લાગુ પડશે. આચારસંહિતાના પગલે સરકારી અધિકારી/કર્મચારીઓની બદલી અને રજા ઉપર પ્રતિબંધ અમલી છે. આચાર સંહિતાને લગતી સંપૂર્ણ બાબતો અબડાસા મતવિસ્તારને લાગુ પડશે. વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવિડ-19 તેમજ કુદરતી આપદા કે હોનારતમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો અમલ લાગુ નહીં પડે, આ સંદર્ભે કરવાની થતી જાહેર હિતની કામગીરી અને અમલવારી આચારસંહિતામાંથી મુક્ત રહેશે. આ બેઠકમાં સરકારી કચેરીઓ અને સબંધિત અધિકારી/કર્મચારીઓ પર અસરકર્તા બાબતો વગેરે પર ચર્ચા કરવામાં આવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer