ભુજની મહિલા પોસ્ટ ઓફિસમાં નેટવર્ક, સ્ટાફ ઘટની સમસ્યાઓનો ઉકેલ જરૂરી

ભુજ, તા. 30 : જૂન મહિનામાં ભુજના દરબારગઢની પોસ્ટ ઓફિસમાં કચ્છની પ્રથમ એવી મહિલા ડાક કચેરી શરૂ થઇ ત્યારે સૌ હરખાયા હતા પણ હવે આ કચેરીમાં નેટવર્કની સતત સમસ્યા, સ્ટાફની અછત સહિતના પ્રશ્નોને લીધે ખાતેદારોના કામ વારંવાર ખોરવાતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે અને પોસ્ટનું વહીવટ તંત્ર મોટું કામ ધરાવતી આ પોસ્ટ ઓફિસ પ્રત્યે ધ્યાન આપે એ જરૂરી બન્યું છે. માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર આમ તો દેશના પોસ્ટ તંત્રમાં સર્વર ખોરવાઇ જવાની ફરિયાદ રહે જ છે પણ દરબારગઢ પોસ્ટ ઓફિસમાં તો બહુ લાંબા સમયથી નેટવર્ક ખોરવાયેલું જ રહે છે. તંત્ર કહે છે કે મોડેમ સાથે જોડાયેલી ટેલિફોનની લાઇનોમાં ખરાબીને કારણે આ સમસ્યા સર્જાય છે પણ આજના ડિજિટલ યુગમાં આવી વ્યવસ્થા કેમ ચાલે ? ?પોસ્ટ તંત્ર ઘણીવાર ટેલિફોન તંત્રને ખો આપી દે છે. અત્યારની જ વાત કરીએ તો મંગળ, બુધ અને ગુરુવારે દરબારગઢ પોસ્ટ?ઓફિસમાં નેટવર્ક ખોરવાયેલું હતું અને ફરી સોમવારે 21મી  સપ્ટેમ્બરે અને પછી ફરી શનિવારે પણ એવો જ તાલ સર્જાતાં ખાતેદારો અને  નાની બચતના એજન્ટો પરેશાન થઇ ગયા હતા. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આ મહિલા પોસ્ટ ઓફિસમાં ખાતાઓની સંખ્યા મોટી છે પણ એક પોસ્ટ માસ્તર, એક કલાર્ક અને એક પટાવાળા એમ માત્ર ત્રણ જ કર્મચારીના આધારે સમગ્ર કામ ચાલે છે. હકીકતમાં એકથી બે મહિલા કલાર્કની ઘટ છે જેને લીધે કામગીરીમાં ઓર વિલંબ થાય છે. ઉપરાંત કયાંક કર્મચારીઓના ખાતેદારો અને એજન્ટો સાથેના વ્યવહારમાં પ્રજાલક્ષી અભિગમનો અભાવ જોવા મળે છે તો કાર્યદક્ષતા સામે પણ સવાલ ઊઠે છે. નેટવર્ક અને સ્ટાફ ઘટનો પ્રશ્ન સત્વરે ઉકેલ માગે છે. અત્યારે હાલત એવી છે કે  ખાતેદારો અને એજન્ટોના કામ દિવસો સુધી ખોરવાયેલા રહે છે. આમ, પોસ્ટતંત્ર ખાનગી એજન્સીઓ સામે કેમ સ્પર્ધા કરી શકે ? દરમ્યાન આ સંદર્ભમાં જિલ્લાના ડાક અધીક્ષક મહેશ પરમારનો સંપર્ક કરતાં તેમણે આ સ્ટાફ પૂરતો હોવાનો દાવો કર્યો હતો, સાથે જ કહ્યું હતું કે, ખોરવાતા નેટવર્ક મુદ્દે ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ મામલો પહોંચાડયો છે અને ટૂંક સમયમાં ઉકેલ આવી જશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer