નવજાત બાળાને મગજનો કમળો થતાં જી.કે.માં સારવારથી નવજીવન અપાયું

ભુજ, તા. 30 : અદાણી સંચાલિત અહીંની જી. કે. જનરલ હોસ્પિટલમાં ત્રણ દિવસની નવજાત બાળકીમાં લોહીની વિસંગતતાનાં કારણે કાર્નિકટેરસ (મગજનો કમળો) તેમજ કિડની ઉપર ગંભીર અસર થઈ ગઈ હોવાથી પેરી ટોનીયલ ડાયાલિસીસ અને એક્સચેન્જ ટ્રાન્સક્યુસન (શરીરના સંપૂર્ણ લોહીને બગદલવાની પ્રક્રિયા) કરીને સતત 13 દિવસની જહેમતને અંતે બાળાને તબીબોએ નવજીવન પ્રદાન કર્યું હતું. આ સારવાર બાળરોગ વિભાગના વડા ડો. હસમુખ ચૌહાણ અને ડો. રેખા થડાનીની દેખરેખ હેઠળ શક્ય બની છે. બાળકીને સૌપ્રથમ ગાંધીધામની એક હોસ્પિટલમાં દાખલ કરી હતી. પરંતુ અચાનક શરીરમાં કમળાનું પ્રમાણ 22 જેટલું થઈ જતાં મગન પર ખેંચ ચાલુ થઈ ગઈ હતી અને કિડનીને પણ ખૂબ નુકસાન થયું હતું, ત્યારે બાળાને ભુજની જી.કે.માં ખસેડવામાં આવી હતી. શ્વાસમાં પણ તકલીફ હોવાથી શ્વાસના વેન્ટિલેટરમાં મુકવામાં આવી હતી. ત્યારબાદ ડો. પથિક ઠક્કરનાં માર્ગદર્શન હેઠળ રેસિ. ડો. સૌમિલ પટેલ, ડો. કિંજલ પટેલ અને ડો. કરણ સરડવા દ્વારા પેરી ટોનીયલ ડાયાલિસીસ અને એક્સચેન્જ ટ્રાન્સક્યુસનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સારવાર અસરકારક નીવડી હતી. શ્વાસની તકલીફ ઘટતાં બાળાને વેન્ટિલેટર પરથી સાદા ઓક્સિજન પર લેવામાં આવી, ત્યારબાદ શિશુને ધીમે ધીમે માતાનું ધાવણ ચાલુ કરવામાં આવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer