વીજ ઉપકરણ નિર્માતાઓને કચ્છ પર આશા

ભુજ, તા. 30 : કચ્છની સરહદે રણ વિસ્તાર નજીક વિશ્વનો સૌથી મોટો વૈકલ્પિક ઊર્જા ઉત્પાદન પાર્ક આકાર લઇ લેશે અને આ સૂર્ય અને પવન ઊર્જા ઉત્પાદન આધારિત પાર્ક ગુજરાતભરની મંદીનો સામનો કરતી વીજ ઉપકરણ બનાવતી કંપનીઓ માટે નવી આશા લઇને આવ્યો છે અને ભવિષ્યમાં આ ક્ષેત્રનાં નાના - મધ્યમ ઉદ્યોગો માટે નવી માંગ ઊભી કરી તેજી લાવશે.કચ્છમાં વૈકલ્પિક ઊર્જા પાર્ક માટે 60,000 હેકટર જમીન મંજૂરીની પ્રક્રિયા આગળ વધી રહી છે અને એનટીપીસી, અદાણી ગ્રીન એનર્જી, સર્જન રિયાલિટીઝ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની લિ. આ પાર્કમાં વિશાળ ઉત્પાદનની જાહેરાત કરી ચૂકી છે. અન્ય રાજ્યોની વીજ  વિતરક કંપનીઓએ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહનની નીતિ અપનાવતાં તેમજ કોવિડ મહામારીનાં કારણે વીજમાંગ ઘટતાં આ ઉત્પાદકો માંગમાં ઘટાડાનો સામનો કરી રહી હતી. વડોદરામાં બે ગુજરાતનાં વીજ ઉપકરણ ઉત્પાદનોનું હબ છે, જેને લાભ થવાની આશા ઉદ્યોગપતિઓ રાખી રહ્યા છે.તાજેતરમાં અંગ્રેજી માધ્યમોમાં પ્રસિદ્ધ હેવાલ મુજબ, ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસો. (ફોકીઆ)નાં એમડી. અને કમ્ફર્ટ ઇન્સ્ટા.પાવર લિ.નાં ડાયરેકટર નિમિષ ફડકેનું કહેવું છે કે, મોટો પાર્ક કચ્છમાં આવે છે અને બીજા પાર્ક માટે રાજસ્થાનમાં જાહેરાત થઇ છે. ગુજરાતનાં ઊર્જા ઉપકરણ ઉત્પાદકોને આ પાર્કથી ઘણી આશા છે.ગુજરાત ઇલેકટ્રીકલ ઇક્વિપમેન્ટ મેન્યુ. એસો.નાં પ્રમુખ હરશ્યામ જાડેજાનું કહેવું છે કે, ગુજરાત સરકાર જમીન અને અન્ય સુવિધા આપી રહી છે, પાર્ક માટે જરૂરી સાધનોની માંગ વધશે. અમદાવાદ સ્થિત ટોપલાઇન સ્વિચ ગિયર્સ પ્રા.લિ.નાં એન.ડી. શૈલેશ પટેલે કહ્યું કે, સરકાર આ પાર્ક વિકસાવવા સુવિધાઓ આપે છે, તેનાથી માંગ વધશે પણ એ સુનિશ્ચિત થવું જોઇએ કે, સ્થાનિક ઉત્પાદકોને ધંધો મળે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer