ગળપાદર જેલમાં કોરોનાનો `પ્રવેશ''!

ગાંધીધામ, તા. 30 : માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોનાકાળમાં અત્યાર સુધી પૂર્વ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં એક પણ કેદી સંક્રમિત થયો ન હતો. પરંતુ પોઝિટિવ કેદીને 14 દિવસના બદલે 10 દિવસમાં રેપિડ નેગેટિવ આવતાં જેલમાં મોકલી દેવાયા બાદ કેદીઓ અને જેલના સ્ટાફ સહિત 7 જણ સંક્રમિત થતાં ખળભળાટ મચી ગયો છે.જેલ અધીક્ષક એમ.એન. જાડેજાના જણાવ્યા પ્રમાણે ગાંધીધામ બી ડિવિઝનમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો તે કેદી મહમદ અન્સારનો કોરોના રિપોર્ટ ગત તા. 14ના પોઝિટિવ આવ્યો હતો. પરંતુ 24 તારીખે રેપિડ એન્ટિજન નેગેટિવ આવતાં તેને 25 તારીખે ગળપાદર જેલમાં મોકલી દેવાયો હતો.નિયમ મુજબ તેને ક્વોરેન્ટાઈન બેરેકમાં પણ અલગ રાખવામાં આવ્યો હતો, પરંતુ બે દિવસ બાદ શરદી-તાવના લક્ષણ જણાતાં તેને હરિઓમ હોસ્પિટલમાં ખસેડાયો હતે. હરિઓમ હોસ્પિટલમાં જેલ પ્રશાસનદ્વારા આર.ટી.પી.સી.આર.  રિપોર્ટ મુદ્દે આગ્રહ રખાતાં હોસ્પિટલ દ્વારા રેપિડ ટેસ્ટ થશે તેવું જણાવાયું હતું. બાદમાં આ કેદીનો આર.ટી.પી.સી.આર. કરાતાં 14મા દિવસે પણ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ કેદીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ગઈકાલે ગળપાદર જેલમાં 33 જણના ટેસ્ટ કરાવાયા હતા. તેમાંથી પાંચ કેદીઓ, એક કર્મચારી અને તેના પત્ની સહિત 7 કેસ બહાર આવતાં ચકચાર પ્રસરી છે. 6 મહિનામાં પ્રથમ વખત જેલમાં કેસ  આવ્યા બાદ  જેલ પ્રશાસન દ્વારા તાકીદનાં વધુ પગલાં લેવાયાં છે.સેનિટાઈઝિંગ સહિતની કામગીરી  વધારવામાં આવી છે. હાલ જેલના સ્ટાફને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે પાંચ કેદીને લીલાશાહ કુટિયા કોવિડ કેર સેન્ટરમાં રખાયા છે. તમામની તબિયત સારી હોવાનું જેલ અધીક્ષકે જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer