પૂર્વ કચ્છ પોલીસ બેડાંમાં બદલીનો ગંજીફો ચીપાયો

ગાંધીધામ,તા.30 : પૂર્વ કચ્છ પોલીસ બેડાંમાં લાંબા સમય બાદ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી હતી. બદલીઓના આ ઘાણવાના કારણે કયાંક આનંદ તો કયાંક છૂપો રોષ જણાયો હતો. પૂર્વ કચ્છ પોલીસ બેડાંમાં છેલ્લા લાંબા સમયથી એક સામટી બદલીઓ થઈ નહોતી. દરમ્યાન આજે આ બદલીઓ થતાં અનેક પોલીસ કર્મીઓના ચહેરા ખીલી ઊઠયા હતા. પૂર્વ કચ્છ પોલીસ બેડાંમાં અગાઉ સસ્પેન્ડ થયેલા અને અહીંથી હાંકી કઢાયેલા અનેક કર્મચારીઓ પરત ગોઠવાઈ જવામાં  સફળ રહ્યા હતા. જાહેર હિત તથા પોલીસ કર્મીઓના જુદા-જુદા કારણોને ધ્યાને લઈને આજે પોલીસ વડા મયૂર પાટીલે 60 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી હતી. આ બદલીમાં હથિયારી અને બિન હથિયારી એ.એસ.આઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, મહિલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરાયો હતો. વર્ષો સુધી મલાઈવાળી જગ્યા ઉપર ચીટકેલા અમુક કર્મીઓ પરત આવી જતાં અમુક કર્મીઓમાં  આનંદ તો અમુક કર્મીઓમાં છૂપો રોષ બહાર આવ્યો હોવાનો ગણગણાટ પોલીસ બેડાંમાં સાંભળવા મળ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer