સરકારના આદેશ છતાં અમદાવાદની ટ્રાવેલ કંપનીએ નાણાં પરત ન કર્યાં!

ગાંધીધામ,તા.30: શહેરના ભારતનગરમાં રહેતા એક વેપારીના ટિકિટના બાકી નીકળતા રૂા.35,309 પરત ના આપતાં અમદાવાદની એક ટ્રાવેલ્સ કંપની વિરુધ્ધ પોલીસ મથકે લેખિત અરજી કરવામાં આવી છે. શહેરના ભારતનગરમાં રહેતા અને ક્રિષ્ના મેડિકલના સંચાલક એવા રાજેન્દ્ર મોહનલાલ ઠક્કર તથા તેમના મિત્ર નિખિલ ઠક્કરે દુબઈ જવા માટે ગત ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદની પરિવાર ટ્રાવેલ્સ એલ.એલ.પી.માંથી 7 ટિકિટ લીધી હતી જેના માટે તેમણે રૂ.2,24,000 ભર્યા હતા. દરમ્યાન કોરોના વાયરસ ફેલાતાં સરકારે બધી આંતરરાષ્ટ્રીય ફલાઈટ બંધ કરાવી નાખી હતી. ટિકિટના બાકી નીકળતા પૈસા પૈકી આ કંપનીએ રૂા.1,88,691 આ વેપારીઓને પરત આપી દીધા હતાં પરંતુ રૂા.35,309 ની આ વેપારીઓએ અનેક વખત માંગણી કરી હતી. છતાં આ કંપનીના સંચાલકો દાદ ન આપતા હોવાથી અંતે આ અંગે પોલીસ મથકે લેખિતમાં અરજી કરવામાં આવી હતી. ટિકિટના બાકી નીકળતા પૈસા પરત આપી દેવા સરકારનો પરિપત્ર હોવા છતાં કંપનીના સંચાલકો સરકારી પરિપત્રને પણ ગણકારતા ન હોવાનું આ અરજીમાં જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer