લાકડાંના વેપારીએ સ્ટેટ જીએસટીની 12.59 કરોડની રકમ ન ભરતાં ગુનો

ગાંધીધામ, તા. 30 : તાલુકાના મીઠીરોહર ખાતે લાકડાનો બેન્સો ધરાવતા વેપારીએ સતત 7 વર્ષ સુધી જીએસટીની રકમ જમા ન કરાવી સરકારની તિજોરીને રૂા. 12. 59 કરોડનો ચૂનો લગાડયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ આરોપીની કોઈ મિલકત પણ  ન હોવાથી તંત્ર વિમાસણમાં મુકાયું છે. વર્ષ 2014 સુધી આચરવામાં આવેલી આ છેતરપિંડીની ફરિયાદ 6 વર્ષ બાદ નોંધાઈ છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ રાજય વેરા કમિશનર કચેરીના વેરા અધિકારી મહાવીરસિંહ મનુભાઈ ડોડિયાએ લાકડાના વેપારી આરોપી અનિલકુમાર સૂરજકુમાર જૈન સામે છેતરપિંડી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.  હરિયાણામાં કરનાલ ખાતે રહેતા અને મીઠીરોહરમાં લાકડાના બેનસા ધરાવતા આરોપીએ વર્ષ 2007માં નોંધણી નંબર મેળવ્યો હતો. 2007 અને 8ના વર્ષની વેરાની રકમ માટે  રાજય વેરા કચેરી  દ્વારા વર્ષ 2012થી નોટિસો મોકલવામાં આવી હતી. બાદમાં પ્રત્યેક નાણાકીય વર્ષની આકારણીની નોટિસ સમયાંતરે મોકલવામાં આવી હતી. પરંતુ નોટિસો પરત આવતી હતી. તમામ નોટિસો વગર બજવ્યે જ પરત આવતી હતી.વર્ષ 2007 થી 2014ના ગાળામાં રૂ.9,91,41,110 એસ.જીએસટી અને રૂ.2,68,12,480 વેટ વેરો સહિત 12,59,53,590ની રકમ ભરવાની જવાબદારી થતી હતી. પરંતુ આરોપી  વેપારીએ રકમ ભરી જ ન હતી.આરોપી વેપારીના બેન્ક ખાતા અને  કરનાલ ખાતેના વતનના સરનામે સરકાર મારફત  તપાસ કરાવી હતી. કરનાલ કલેકટરે આરોપીની હોલી મહોલ્લા વોર્ડ 13 મકાન નંબર 13-19 ખાતે કોઈ મિલ્કત જ ન હોવાનું  જણાવાયું હતું. આ મામલે  રાજય વેરા કચેરીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતાં કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કરાતાં પોલીસ ફરિયાદ કરાઈ છે. આરોપીના નામની કોઈ મિલકત જ ન હોતાં મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી પણ તંત્ર કરી શકયું ન હતું. આ બનાવના પગલે ભારે ચકચાર પ્રસરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer